ભારે વરસાદ વરસતાં મુંબઈ થંભી ગયું

મુંબઇ: ભારતની આર્થિક રાજધાની મુંબઈ ભારે વરસાદને કારણે થંભી ગયું હતું. અહીં આજે સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સવારે માત્ર એક કલાકમાં ૩૪ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો, જેના કારણે જાહેર પરિવહન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાળાઓ બંધ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, સોમવારે સવારે ૮ વાગ્યા સુધી મુંબઈમાં ઘણા સ્થળોએ છેલ્લા ૨૪ કલાકમાં ૨૦૦ મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદની ચેતવણીને કારણે વહીવટીતંત્રે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં નાગપુર, ભંડારા, ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાઓ અને રાયગઢ જિલ્લાના ચાર તાલુકાઓમાં સોમવારે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતીનેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ત્રણ ટીમો મુંબઈ અને તેના ઉપનગરોમાં ઊંચા મોજા અને ભારે વરસાદની આગાહી વચ્ચે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે મુંબઈમાં તૈનાત કરવામાં આવી છે. મ્યુનિસિપલ બોડીના જણાવ્યા અનુસાર, બપોરે ૧૨ઃ૫૯ વાગ્યે દરિયામાં ૪.૫૯ મીટર ઊંચા મોજાં ઉછળશે.ભારતીય હવામાન વિભાગે સોમવારે સવારે ૮ વાગ્યાથી શરૂ થતા આગામી ૨૪ કલાક માટે તેની આગાહીમાં શહેર અને ઉપનગરોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને કેટલાક સ્થળોએ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મલબાર અને મુલુંડ હિલમાં સવારે ૬ થી ૭ વાગ્યાની વચ્ચે ૩૪ મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ ભાંડુપમાં ૨૯ મીમી, વડાલા પૂર્વમાં ૨૪ મીમી અને વર્સોવામાં ૨૦ મીમી વરસાદ નોંધાયો હતો.બીએમસીના જણાવ્યા અનુસાર, માનખુર્દમાં નૂતન વિદ્યામંદિરમાં ૨૨૪ મીમી, વડાલાના નાડકર્ણી પાર્કમાં ૨૨૩ મીમી અને ભાંડુપમાં ‘એન’ વોર્ડ ઓફિસમાં ૨૧૫ મીમી વરસાદ નોંધાયો છે. વધારાના વરસાદના માપનમાં માનખુર્દ ફાયર સ્ટેશનમાં ૨૧૨ મીમી વરસાદ, વરલીના આદર્શ નગરમાં ૨૦૪ મીમી વરસાદ, સેવરી કોલીવાડામાં ૨૦૩ મીમી અને ઘાટકોપરના રમાબાઈ નગરમાં ૨૦૨ મીમી વરસાદ નોંધાયો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution