નવી દિલ્હી:ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાના માર્ગો પર આવતી દુકાનો પર માલિકોના નામ અને મોબાઈલ નંબર લખવાનો આદેશ આપ્યો છે જેના કારણે વિવાદ શરૂ થઈ ગયો છે. આ તરફ હવે સમાચાર સામે આવ્યા છે કે, હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ નામની દ્ગય્ર્ંએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને યુપી સરકારના આદેશને રદ કરવાની માંગ કરી છે. આ અરજી ૨૦ જુલાઈના રોજ સવારે ૬ વાગ્યે ઓનલાઈન દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ આ કેસને સુનાવણી માટે લિસ્ટ કર્યો છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જસ્ટિસ હૃષિકેશ રોય અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચ ૨૨ જુલાઈના રોજ સોસાયટી ફોર પ્રોટેક્શન ઑફ સિવિલ રાઈટ્સની અરજી પર સુનાવણી કરશે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે કાવડ યાત્રા રૂટ પર આવતી ખાણીપીણી, ઢાબા, ફળોની દુકાનો અને ચાની દુકાનોને માલિકોની વિગતો આપતી નેમપ્લેટ દર્શાવવા માટે કહ્યું છે. જેને લઈને રાજ્ય સહિત દેશનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષે યુપીની યોગી આદિત્યનાથ સરકારના આ આદેશને સાંપ્રદાયિક ગણાવ્યો છે અને ભાજપ પર વિભાજનની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.