તલ આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. તેનાથી શરીરને ભરપૂર કેલ્શિયમ મળે છે. સાથે જ શરીરને અન્ય કેટલાક જરૂરી પોષક તત્વો પણ તેમાંથી મળી રહે છે. શિયાળામાં ખાસ તલ ખાવામાં આવે છે. આમ તો બારેય મહિના ડાયટમાં તલનું સેવન કરવું જોઈએ. જેથી આજે અમે તમને એવી ખાસ અને હેલ્ધી તલની સુપર ટેસ્ટી ચટણીની રેસિપી જણાવવાના છીએ, જેને તમે ઘરે ઈડલી, ડોસા, સમોસા, ભજીયા સાથે ખાઈ શકો છો. આ રેસિપી બહુ જ હેલ્ધી અને ટેસ્ટી છે. એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થશે.
તલની સફેદ ચટણીની સામગ્રી:
1 ચમચી આમલી,1/2 કપ સફેદ તલ,2 ચમચી તેલ,1/2 ચમચી જીરૂં,7 કળી લસણ,5 સમારેલા લીલાં મરચાં,1 ઈંચ આદુનો ટુકડો,1/2 ચમચી સિંધાલૂણ મીઠું,1 ચમચી રઈ,1 ચમચી અડદની દાળ,1/2 ચમચી હીંગ,10 પત્તા મીઠો લીમડો,2 લાલ આખા મરચાં
રીત:
સૌથી પહેલાં આમલી લઈને સાફ કરી લેવી અને પછી તેમાં થોડું પાણી નાખી પલાળી દેવી. હવે તલ લઈને તેને 2 મિનિટ ધીમા તાપે શેકી લેવા. પછી એક વાટકીમાં તલ કાઢી લેવા. હવે એ જ પેનમાં 1 ચમચી તેલ નાખી તેમાં જીરું, લસણ, લીલાં મરચા, આદુ નાખી ધીમા તાપે સાંતળવું. પછી ગેસ બંધ કરી દેવો. પછી મિક્સર જારમાં શેકેલા તલ, સાંતળેલું આદુ, લસણ અને મરચા નાખવા, પલાળેલી આમલી નાખવી. પછી તેમાં સિંધાલૂણ મીઠું, સાદુ મીઠું નાખી પીસી લેવું. પછી તેને એક બાઉલમાં કાઢીને તેના માટેનો વધાર તૈયાર કરવો.
વઘાર આ રીતે તૈયાર કરો:
ચટણી પર વધાર કરવા માટે સૌથી પહેલાં વઘારિયામાં 1 ચમચી તેલ લઈને તેમાં રઈ, અડદ દાલ, સહેજ જીરું, હીંગ, લીમડો, લાલ આખા મરચા નાખી સાંતળી લો. પછી ચટણી પર વઘાર નાખી હલાવી દો. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી તલની ચટણી. તમે 2-3 દિવસ સુધી આ ચટણી ફ્રિઝમાં સ્ટોર પણ કરી શકો છો.