વડોદરા
અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ચાલતા ટેક્સી સ્ટેન્ડ પરથી મુસાફરોને ગેરકાયદે બેસાડીને ઉપડેલી અર્ટિકા કારનો અકસ્માત અને તેમાં ૧૧ લોકોના મોતના બનાવમાં મૃતકોનો શોક પુરો થાય તે અગાઉ જ પોલીસના હપ્તા શરૂ થતા અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ ધમધમતુ થયાના લોકસત્તા-જનસત્તાના અહેવાલના પગલે આજે પોલીસ તંત્રએ સવારથી અમિતનગર સર્કલનું ટેક્સી સ્ટેન્ડ બંધ કરાવ્યું હતું. જાેકે દિવસભર કાર્યવાહીનો દેખાડો કરીને પોલીસ રવાના થતા જ મોડી સાંજથી ફરીથી અમદાવાદ...અમદાવાદ...ની બુમો પાડીને મુસાફરો ભરવાની શરૂઆત થતા માથાભારે વાહનચાલકો પોલીસને ગાંઠતા નથી તેવું વધુ એક વાર પુરવાર થયું છે.
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ગત ૧૭મી તારીખે અર્ટિકા કારને અકસ્માત નડ્યો હતો જેમાં કારમાં બેઠેલા ડ્રાઈવર સહિત તમામ ૧૧ મુસાફરોના મોત નીપજ્યા હતા. દરમિયાન આ કારમાં મુસાફરોને કારેલીબાગ અમિતનગર સર્કલ પાસેના ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ પરથી ગેરકાયદે બેસાડવામાં આવ્યા હોવાની વિગતો સપાટી પર આવી હતી. ૧૧ લોકોના કરુણ મોતના બનાવના પગલે માત્ર વડોદરા શહેર-જિલ્લા સાથે ખેડા, નડિયાદ અને અમદાવાદ પોલીસના હપ્તાબ્’ાાજીમાં દોડતા ગેરકાયદે વાહનચાલકોનો મુદ્દો ફરી વિવાદમાં આવ્યો હતો.
ગોઝારા અકસ્માતમાં ૧૧ લોકોના મોતના બનાવમાં મૃતકોનો શોક હજુ પુરો પણ થયો નથી પરંતું તે અગાઉ પોલીસના હપ્તાબાજીમાં અમિતનગર સર્કલ પર ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ ફરી ધમધમતું થયુ હોવાના લોકસત્તા-જનસત્તાના અહેવાલ બાદ પોલીસ તંત્રએ આબરુ બચાવવા માટે આજે સવારથી ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ બંધ કરાવ્યું હતું. જાેકે સાંજે પોલીસ જવાનો આ વિસ્તારમાંથી રવાના થતા જ નફ્ફટ વાહનચાલકોએ તુરંત અમદાવાદ..અમદાવાદ..ની બુમો પાડીને વાહનોમાં મુસાફરો બેસાડવાની શરૂઆત કરી હતી.
ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ પર વારંવાર ગેરરીતી આચરીને વાહનચાલકો તેઓના વાહનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરોને બેસાડીને મોતની જાેખમી સવારી કરી રહ્યા છે. આ ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ પર ખાનગી વાહનોમાં બેસવા માટે આવતા મુસાફરોને જ જાે આ સ્થળે ઉભા રહેવા દેવામાં ના આવે તો આ સ્થળેથી આપમેળે ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ પર હટી જશે તેવી સાદી સમજ પોલીસતંત્રને નહી હોય તેવું સંભવ નથી. જાેકે પોલીસતંત્રને જ આ સ્થળે ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ ચાલતું રહે તેમાં વધુ રસ છે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ પરથી મુસાફરો બેસાડવાની સાથે સાથે હવે ખાનગી વાહનચાલકોએ પાર્સલો અને માલસામાનની પણ હેરાફેરી કરવાની શરૂઆત કરી છે. પોલીસને હપ્તા મળતા હોવાના કારણે ગેરકાયદે ટેક્સી સ્ટેન્ડ પરથી ઉપડતા વાહનોને કોઈ પોલીસ જવાન અટકાવતા નથી જેના કારણે અમિતનગર સર્કલથી તેમજ અમદાવાદની સીટીએમથી મુસાફરોની ગેરકાયદે હેરફેર કરતા ખાનગી વાહનોમાં દારૂ, માદકદ્રવ્યો સહિતના પ્રતિબંધીત ચીજાેની હેરફેર કરવાનું પણ ગુનેગારો માટે સૈાથી સલામત સાબિત થયું છે. પોલીસના નિયમો અને સુચનાને ધોળીને પી જતાં માથાભારે વાહનચાલકો સામે પોલીસ તંત્ર શા માટે ફરિયાદ નોંધવામાં ખચકાઈ રહી છે.