માંહી પડ્યા તે મહાસુખ માણે

લેખકઃ હેમુ ભીખુ | 


બહાર રહીને છબછબીયા નથી કરવાના, ઊંડા ઉતરવાનું છે. તે ભક્તિ હોય કે વિજ્ઞાન, ઊંડાણમાં ઉતર્યા વગર યથાર્થતામાં કશી જ ખબર ન પડે. તે પરમ જ્ઞાનનો વિષય હોય કે ગણિત, વિચાર શૃંખલાની ચરમસીમા સુધી પહોંચ્યા વગર કશું જ પ્રાપ્ત ન થાય. તે તકનિકી જાણકારી હોય કે સૈદ્ધાંતિક સમજ, જે તે વિષયને આત્મસાત કરવા જાતને ખૂંપાવી દેવી પડે. તે કલાત્મક સંવેદનશીલતાનો વિષય હોય કે ઉપયોગી સર્જનાત્મકતાનું ક્ષેત્ર, પૂરેપૂરી લગની - સંપૂર્ણતા સાથેની સંલગ્નતા જરૂરી છે. બહાર રહીને કશું જ પ્રાપ્ત ન થાય.

કોઈપણ રમતને પૂર્ણતાથી માણવા માટે ખેલાડી બનવું પડે, પ્રેક્ષક બનીને તે રમતનો સાચો આનંદ પ્રાપ્ત ન થઈ શકે. પાણી સાથેના વ્યવહારનો સિદ્ધાંત સમજવો હોય તો જાતે તરવું પડે, બહાર બેસીને તરવૈયાઓને જાેવા માત્રથી પાણી સાથેનો વ્યવહાર સમજી ન શકાય. સામે સિંહ જેવા હિંસક પ્રાણી ઉભા હોય તો મનની સ્થિતિ કેવી રહે તે વાસ્તવમાં અનુભવી જ જણાવી શકે. વાત સાચી છે કે આપ મુઆ વિના સ્વર્ગે ન જવાય. જાતે મરવું પડે, જાતે પાણીમાં ઊતરવું પડે, જાતે પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રત્યક્ષ પ્રતીતિ થવી જાેઈએ - અને આ બધું પણ ઊંડાણપૂર્વક.

સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે, માત્ર એક ઓવર રમવાથી ક્રિકેટની રમત સાથે જાેડાયેલી સૈદ્ધાંતિક બાબતો પૂર્ણતામાં સમજી ન શકાય. સ્વશિક્ષણ દિને એક દિવસ શિક્ષક બનવાથી શિક્ષકના જીવનની કથા-વ્યથા જાણી ન શકાય. એક દિવસ વર્ષાવનમાં ભટકવાથી ત્યાંના લોકોની જીવનશૈલી સમજી ન શકાય. આવા તો અનેક ઉદાહરણો આપી શકાય. સમજવાની વાત એ છે કે માત્ર ઊંડા ઊતરવું પૂરતું નથી, વારંવાર ઉતરવું પડે, ઉતરીને ત્યાં રોકાવું પડે અને ફરીથી ઉતરવાની તત્પરતા કેળવવી જાેઈએ. માંહી પડવાનું પણ છે અને ત્યાં પડ્યા પછી પરિસ્થિતિની યથાર્થતામાં અનુભૂતિ ન થાય ત્યાં સુધી ત્યાં રહેવાનું છે, અને જરૂર પડે તો ફરીથી ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે.

સાથે સાથે એ પણ સમજવાની જરૂર છે કે, માત્ર માળાના મણકા નથી ફેરવવાના, તેનાથી આંગળીના ટેરવે દબાણ આવવાથી છે સૂક્ષ્મ નાડી જાગ્રત થાય અથવા જાગ્રત થવાની સંભાવના હોય તેના તરફ ધ્યાન કેન્દ્રિત રાખવાનું છે. માત્ર નામનું રટણ નથી કરવાનું, જપયજ્ઞના સિદ્ધાંત પ્રમાણે શબ્દ સાથે સંકળાયેલી ભાવનાને આત્મસાત્‌ કરવાની છે. માત્ર દીવો નથી પ્રગટાવવાનો, પણ દીવાની જ્યોત સાથે મનની ચંચળતાનું જે રૂપક ગીતામાં જણાવાયું છે તેની અનુભૂતિ કરવાની છે. માત્ર શંખ નથી વગાડવાનો પરંતુ તેની સાથે જે ધ્વનિ ઉદભવે તે ધ્વનિની બ્રહ્મનાદ - ૐ ના ધ્વનિની સાથે સંલગ્નતા સમજવાની છે. માત્ર પૂજા સ્થાન પર અગરબત્તી કે ધૂપ નથી પ્રગટાવવાનો, તેના થકી “સૂક્ષ્મતા”નું સ્વરૂપ સમજી સૂક્ષ્મ વિશ્વ સાથે સંવાદ સ્થાપવાનો પ્રયત્ન કરવાનો છે. આરતીમાં માત્ર પ્રજ્વલિત દીવાને ઇષ્ટદેવ સમક્ષ ગોળ ગોળ નથી ફેરવવાનો, તેનાથી ઇષ્ટદેવને ચારે બાજુથી - સંપૂર્ણતામાં જાણવાનો અને પામવાનો પ્રયત્ન કરવાનો છે. અંદર ઉતરવાનું છે, કિનારે બેઠા બેઠા પગ પલાળીને છબછબીયા નથી કરવાના.

આજના સમયે કોઈની પાસે “સમય” નથી, છતાં બધા પાસે અઢળક સમય હોય છે. જ્યારે ઈચ્છા પ્રમાણેની પ્રવૃતિમાં સંલગ્ન થવાનું હોય ત્યારે સમયનો ક્યારેય અભાવ નથી હોતો. સમયનો અભાવ ત્યારે જ વર્તાય જ્યારે ઉત્તરદાયિત્વ નિભાવવાનું હોય. એ સંદર્ભમાં એ સમજવું જરૂરી છે કે, દરેક વ્યક્તિ માટે જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિ માટે પ્રયત્ન કરવો એ સૌથી અગત્યનું ઉત્તરદાયિત્વ છે. આ માટે સમય ફાળવવો જ રહ્યો. આ જન્મમાં પણ સમીકરણો જેમના તેમ બાકી રહે અથવા તો વધી જાય તો વ્યક્તિ સ્વયં પ્રત્યેના ઉત્તરદાયિત્વમાં ક્યાંક નિષ્ફળ રહી છે તેમ કહી શકાય. જાતની મુક્તિ માટે પ્રયત્ન કરવાનો જ છે, આ જન્મમાં જ કરવાનો છે, અત્યારથી જ કરવાનો છે અને તેથી જ અત્યારથી ઊંડા ઉતરવાના પ્રયત્ન કરવાના છે. પોતાની જાતને અન્યાય ન થઈ બેસે તે જાેવાનું ઉત્તરદાયિત્વ બધાને છે. આજે નહીં તો કાલે, આ કરવું જ પડશે.

“ઊંડાણ” એ સૃષ્ટિની અનેરી ઘટના છે. ઘણા લોકો વિસ્તૃત જ્ઞાનનો આગ્રહ રાખતા હોય છે તો ઘણા ઊંડા જ્ઞાન વિશે આકર્ષિત રહેતા હોય છે. વિસ્તૃત જ્ઞાન વાળી વ્યક્તિ સમાજના વ્યવહારમાં વધુ સ્વીકૃત બની રહે, તે અન્યને વધારે પ્રભાવિત કરી શકે, તે પોતાની જાતને જાણકાર કે જ્ઞાની તરીકે સ્થાપિત પણ કરી શકે અને લોકને પ્રવચન આપવા માટે તે સક્ષમ પણ હોય - પણ થોડુંક ઊંડાણમાં જાેતા તેવી વ્યક્તિનું છીછરાપણું તરત પરખાઈ આવે. સમાજના ઘડતરમાં આવા લોકોનો ફાળો નહીંવત હોય છે. સમાજમાં નવા સંશોધન - નવા પ્રયોગો માટે તેઓની નિષ્ક્રિયતા બધાને ખટકતી રહેતી હોય છે. તેમની સરખામણીમાં ઊંડાણનો આગ્રહ રાખનાર વ્યક્તિ સમાજ માટે વધુ ઉપયોગી બની રહે. તેઓ સમાજની ઉન્નતિ તથા સુખાકારી માટે હકારાત્મક ફાળો આપી શકે. જાે સમાજના વ્યવહારમાં ઊંડાણનું આવું મહત્વ હોય, તો આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તો હોવું જ જાેઈએ.

ભક્તિ તેની ચરમસીમા સુધી પહોંચવી જાેઈએ. જ્ઞાન પરમ તત્વની પ્રતીતિ કરી શકાવે તે પ્રકારે સ્થાપિત થયેલું હોવું જાેઈએ. યોગ થકી ચૈતન્યની પરમ સ્થિતિ પ્રાપ્ત થવી જાેઈએ. કર્મયોગમાં તટસ્થતાથી, નિર્લેપતાથી, પ્રત્યેક લોકોપયોગી કાર્ય ધર્મની સ્થાપના માટે - સત્યના પ્રસાર માટે થવા જાેઈએ. અધ્યાત્મના દરેક માર્ગમાં પૂર્ણ સ્થિતિને પ્રાપ્ત થવું ખૂબ જરૂરી છે. વચગાળાની સ્થિતિ માત્ર જાેખમી નથી પરંતુ સાથે સાથે તે ભ્રામક પણ બની રહે. પૂર્ણતાની પ્રાપ્તિ બહુ જરૂરી છે. આ બધું જ પૂર્ણ છે અને તેથી અપૂર્ણતા માટે કોઈ સ્થાન નથી. આ બધું પૂર્ણમાંથી ઉદ્‌ભવ્યું છે અને તેથી તે પૂર્ણમાં લય પામવા માટે પૂર્ણતાની પ્રાપ્તિ ખૂબ જરૂરી છે. પૂર્ણતાના પ્રતિનિધિ સમાન માનવીનું કોઈપણ કાર્ય જાે અપૂર્ણ હોય તો તેને માન્યતા ન મળે. પૂર્ણતા પામવા માટે ઓતપ્રોત થવું પડે. બહાર કિનારે બેસી છબછબિયા કરવાથી કશું જ પ્રાપ્ત ન થાય, માત્ર પગ થોડાંં પલળે. ઊંડા ઉતર્યા વગર અનુભૂતિ ન થાય, કદાચ થોડું ઘણું દેખાઈ જાય. અનુભૂતિ તો ઊંડા ઉતરવામાં જ છે - અને તે જ પરમસુખ છે - પરમ આનંદ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution