ચટગાંવઃ
પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા કાઇલ મેયર્સ એ કમાલનું પ્રદર્શન કરતા અણનમ બેવડી સદી ફટકારી વેસ્ટ ઈન્ડિઝને બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાં ત્રણ વિકેટથી શાનદાર જીત અપાવી. મેયર્સ ૨૧૦* રન એ એકલા હાથે મોર્ચો સંભાળી રાખ્યો અને ટીમની જીત બાદ અણનમ રહ્યો. તેણે ૩૧૦ બોલની પોતાની અણનમ ઈનિંગમાં ૨૦ ચોગ્ગા અને ૭ છગ્ગા ફટકાર્યા હતા.
બાંગ્લાદેશે મહેમાન ટીમને જીતવા માટે ૩૯૫ રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિન્ડિઝ ટીમે ૭ વિકેટ ગુમાવી પાંચમાં દિવસે જીત મેળવી હતી. ૩૯૫ રનના ટાર્ગેટનો પીછો કરતા વિન્ડિઝની ટીમે ૩ વિકેટ માત્ર ૫૯ રનમાં ગુમાવી દીધી હતી, પરંતુ બોનર (૮૬) ની સાથે મેયર્સ એ ન માત્ર ઈનિંગ સંભાળી. બન્નેએ ચોથી વિકેટ માટે ૨૧૬ રનની ભાગીદારી કરી હતી.
મેયર્સે આ સાથે ઈતિહાસ રચી દીધો અને તે ડેબ્યુ ટેસ્ટની ચોથી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. પાંચમાં નંબર પર બેટિંગ કરવા ઉતરેલા મેયર્સે સ્થિતિ સંભાળી હતી. ૨૮ વર્ષીય મેયર્સ આ પહેલા ત્રણ વનડે અને બે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. આ રીતે વેસ્ટ ઈન્ડિઝ પણ એશિયામાં ચોથી ઈનિંગમાં સૌથી મોટો ટાર્ગેટ હાસિલ કરનારી ટીમ બની ગઈ છે. મેયર્સ પણ એશિયામાં પર્દાપણ કરતા ચોથી ઈનિંગમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો છે.