પ્રશ્નો થવા માનસિક તંદુરસ્તીની નિશાની

લેખકઃ કેયુર જાની | 


જગતમાં ૩૮૧૪ માનવ સભ્યતાઓ છે. જેમાં સાત હજાર જેટલી ભાષાઓ છે. માણસો વચ્ચે પરસ્પર સંચાર માટે આ ભાષાઓ માધ્યમ છે. જે તમામ ભાષાઓમાં એક સામ્યતા જાેવા મળી છે. જયારે માણસો વચ્ચે સંચાર સ્થપાય ત્યારે “કેમ છો..!” પૂછવાની સામ્યતા. માણસનો માણસ સાથે સંવાદ એકબીજાના હાલચાલ પૂછી શરુ કરવામાં આવે છે. હાલચાલ પ્રશ્ન દ્વારા પૂછવામાં આવે છે. દુનિયાની તમામ ભાષામાં “કેમ છો..!” તેવો પ્રશ્ન પૂછવામાં આવે છે. કેમ છો જેવા બે શબ્દોના પ્રશ્નમાં વ્યક્તિની શારીરિક, પારિવારિક, સામાજિક, આર્થિક, વ્યવસાયિક જેવી અનેક બાબતોના હાલચાલ એક સાથે પુછાય છે. મને તમારી દરકાર છે.. કાળજી છે તે આ નાના પ્રશ્ન દ્વારા વહન થઇ જાય છે.

પ્રશ્ન કરવો માનવ સંચારનો પાયો છે. તેનાથી સંચારનો ઉદય થાય છે. કુતુહલ પ્રશ્નનો જનક છે. પ્રશ્નનો જન્મ જીજ્ઞાસારૂપી ગર્ભમાંથી થાય છે. આશ્ચર્ય તેનું પોષણ કરે છે. પ્રશ્ન કરવો અથવા પ્રશ્ન થવો તે માનવ સ્વભાવની સહજતા છે. પ્રશ્ન કરવાથી જ્ઞાન મળે છે. પરસ્પર જાણકારી વહેંચાય છે, વ્યક્તિ માહિતગાર થાય છે, પ્રશ્નો માનવ સભ્યતાના વિકાસનું ઈંધણ છે. જેના જવાબ મેળવવાની કવાયતથી વિકાસ સાધી શકાયો. માર્ક ટવેઇને કહ્યું હતું કે, “મેં મારી સેવા કરવા માટે છ પ્રામાણિક માણસોને કામ ઉપર રાખ્યા છે. તેમના નામ છે કેમ - કેવી રીતે - શું - ક્યાં - ક્યારે અને કોણે ?”

એથેન્સમાં સિફેલસના ઘરમાં સોક્રેટીસ કેટલાક બુદ્ધિજીવીઓ સાથે બેઠાં હતાં. તેમની વચ્ચે પ્રશ્નોની ચર્ચા થઇ ઉત્તરો આપવામાં આવ્યાં. તે રાત્રે બૌધ્ધિકો એકબીજાને પ્રશ્ન કરતા રહ્યા અને સોક્રેટીસ તેના જવાબ આપતા રહ્યાં. તે આખી પ્રશ્નોત્તરી સોક્રેટીસના શિષ્ય પ્લુટો દ્વારા સંકલિત કરવામાં આવી. જેને ‘રિપબ્લિક’ નામના ચારસો પાનના એક પુસ્તક દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવી. આજના પ્રજાતંત્રનો વિચાર ‘રિપબ્લિક’માંથી આવ્યો છે. અલગ અલગ વિચારધારા વચ્ચે પ્રશ્નોની ચર્ચા પ્રજાતંત્રનું મૂળ છે. ગૃહમાં પ્રશ્નકાળ દરમ્યાન પ્રશ્નો પુછાતા રહે છે જેના ઉત્તર આપવા સત્તાધીશની ફરજ છે.

‘રિપબ્લિક’ પુસ્તકની પ્રશ્નોત્તરીએ આખા યુરોપમાં આધુનિક વિચારધારાને જન્મ આપ્યો. ધર્મગ્રંથોમાં લખવામાં આવેલી બાબતોને સનાતન સત્ય માની લેવાને બદલે તેની ઉપર પ્રશ્નો કરવાની વિચારધારા. જિજ્ઞાસાને કારણે ઉઠેલા પ્રશ્નો માટે ‘માનો નહીં જાણો’ દ્વારા જવાબ શોધવામાં આવ્યાં. પ્રશ્નોના જવાબ ધર્મગં્રથોમાંથી ન મળતાં વૈજ્ઞાનિક સંશોધનો શરુ થયાં. તેને કારણે ઓગણીસમી સદીમાં વિશ્વની મહત્તમ વૈજ્ઞાનિક શોધો થઇ.

જ્યાં સુધી બાળસહજ પ્રશ્નો ઉદ્‌ભવતા રહે ત્યાં સુધી માણસ અંદરથી ચેતનવંતો રહે છે. બાળસહજ જીજ્ઞાસાથી પ્રશ્ન ઉદ્‌ભવે છે. જેનો જવાબ શોધવા વિચારમંથન થાય છે. પરસ્પર સતત ચર્ચાઓ થતી હોય છે. જવાબ મેળવવા સંશોધનો કરવામાં આવે છે. પ્રશ્ન થવો વિજ્ઞાનનો પ્રાણ છે. કલા તેમજ સાહિત્યનો આધાર પ્રશ્નમાં રહેલો છે. કુરુક્ષેત્રમાં જયારે ભયભીત અર્જુનના હાથમાંથી ગાંડીવ સરકી જાય છે ત્યારે તે ઘુંટણીયે પડી જાય છે અને બાળસહજ કુતુહલથી શ્રીકૃષ્ણને પ્રશ્નો કરે છે. શ્રીકૃષ્ણ અર્જુનની તમામ શંકાઓના સમાધાન માટે દરેક પ્રશ્નોનો જવાબ આપે છે. અર્જુન એક બાદ એક સતત પ્રશ્નો કરે છે અને શ્રીકૃષ્ણ જવાબ આપતા જાય છે. આ પ્રશ્નોત્તરીમાં અઢાર અધ્યાયની રચના થાય છે. માનવ જીવનના દિશાસૂચન માટે શ્રીમદ ભગવત ગીતાની રચના થઇ છે. અર્જુનના પ્રશ્નો તે માટે નિમિત્ત બન્યા છે.

બીજાે એક પ્રસંગ મહાભારતમાં છે. વનવાસ દરમ્યાન ધર્મરાજ એક યક્ષનું રૂપ ધરી પાણી પીવા સરોવર કિનારે પહોંચેલા તરસ્યા પાંડવોને પ્રશ્નો કરે છે. ચાર પાંડવો યક્ષના પ્રશ્નનો અનાદર કરે છે અને નિર્જીવ બની જાય છે. યુધિષ્ઠિર યક્ષના તમામ પ્રશ્નોના વિવેકપૂર્ણ ઉત્તર આપે છે. યક્ષ દ્વારા જીવન, સંસાર, પાપ, પુણ્ય, ભક્તિ, પરિવાર, રાજકરણ, નીતિ, ધર્મ જેવા અલગ અલગ વિષય ઉપર સો જેટલા પ્રશ્નો કરવામાં આવે છે. યુધિષ્ઠિર ખંતપૂર્વક તમામના જવાબ આપે છે. જેના પરિણામે નિર્જીવ થઇ ગયેલા ચારેય ભાઈઓનું જીવન પરત મેળવે છે. આ પ્રસંગ દ્વારા પ્રશ્ન કરનાર વ્યક્તિના મહત્વ વિષે સમજાવાયું છે. અજાણ્યા વ્યક્તિ દ્વારા પૂછાતા પ્રશ્નોને પણ આદર આપવાણી શીખ આ પ્રસંગમાં છે. સનાતન ધર્મમાં શાસ્ત્રાર્થને ખુબ આદર આપવામાં આવે છે. વૈદિકકાળમાં ગાર્ગી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચે શાસ્ત્રાર્થનો ઉલ્લેખ છે. જગતગુરુ શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે રસપ્રદ શાસ્ત્રાર્થની વાત છે. કુમારિલ ભટ્ટ અને બ્રાહ્મણો વચ્ચે શાસ્ત્રાર્થની નોંધ થયેલી છે. માનવ સભ્યતામાં બૌદ્ધિક વિકાસની સાથે સાથે નવા પ્રશ્નો ઉદભવતા રહ્યા છે અથવા પુછાતા રહ્યા છે. જેના જવાબ પ્રાપ્ત કરવા પાઠશાળામાં, વિશ્વવિદ્યાલયોમાં કે પ્રયોગશાળાઓમાં મંથન થતું રહ્યું છે.

તથાગત બુદ્ધને મનમાં પ્રશ્નો ઉઠ્‌યાં. જેના જવાબ મેળવવા મહાભિનિષ્ક્રમણ કર્યું. ઉદ્‌ભવેલા પ્રશ્નોના જવાબ મેળવવામાં ધ્યાનમગ્ન બન્યાં. બોધીગયામાં જ્ઞાન પ્રાપ્ત થયું, બુધ્ધત્વને પામ્યાં. ભગવાન બુદ્ધ વિહાર કરતા હતા તે દરમ્યાન જીજ્ઞાસુઓ તેમને સતત પ્રશ્નો કરતા રહ્યાં. ભગવાન બુદ્ધે તેઓને જવાબ આપ્યા. બુદ્ધ દ્વારા ૮૪ હજાર પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતાં. જેની સમ્રાટ અશોક દ્વારા સ્તૂપ બનાવીને ઉપદેશરૂપે નોંધ કરવામાં આવી છે.

પ્રશ્નો થવા માનસિક તંદુરસ્તીની નિશાની છે. મનને કુતુહલ થાય તેમાંથી નવા પ્રશ્નો જન્મે છે. આવા મનને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતી. આશ્ચર્યમાં ગરકાવ મન જ્યાં સુધી પ્રશ્નો કરતું રહે છે ત્યાં સુધી વ્યક્તિ તેની ઉંમરના કોઈ પણ પડાવમાં ચુસ્ત દુરસ્ત અને જીવંત છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution