દિલ્હી-
ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમને ભલે મેડલ નથી મળ્યું, પરંતુ પોતાની અંતિમ મેચમાં ટીમે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું અને બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા. હરિયાણા સરકારએ હવે આ મહિલા હોકી ખેલાડીઓ પર ઈનામનો વરસાદ કરી દીધો છે. ભારતીય મહિલા હોકી ટીમમાં સામેલ હરિયાણાની 9 દીકરીઓને 50-50 લાખ રૂપિયાનું પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે.
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરએ આ ઘોષણા કરી અને કહ્યું કે ભારતીય મહિલા હોકી ટીમ રાની ઝાંસીની જેમ અંત સુધી લડી છે. જોકે, તેમણે શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યું. મુખ્યમંત્રી ખટ્ટરે કહ્યું કે, સરકાર તરફથી તમામ ખેલાડીઓને 50-50 લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે. નોંધનીય છે કે, મહિલા ટીમ માત્ર ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી છે. 2016 રિયો ઓલમ્પિકમાં ટીમ 12મા નંબર પર રહી હતી. આ ઉપરાંત 1980માં ટીમ ચોથા નંબર પર રહી હતી. જોકે, તે સમયે સેમીફાઇનલ મેચ નહોતી. આ રીતે ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ટોક્યો ઓલમ્પિકમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે.