હેપ્પી હોમ ગેસ સર્વિસનું ૧૧ માસમાં બીજીવાર ગેસ રિફિલિંગ કૌભાંડ

વડોદરા, તા.૭ 

વીઆઈપી રોડ પર જલારામનગરમાં આજે બપોરે રાંધણ ગેંસના સિલિન્ડરમાંથી જાેખમી રીતે ગેસની ચોરી કરવાના કૈાભાંડનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો. દરમિયાન આ ગેસ ચોરીનું કૈાભાંડ શહેરના ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રની ગેસ એજન્સીના ટેમ્પોચાલક અને કન્ડકટરો દ્વારા આચરવામાં આવતુ હોવાની વાત વહેતી થતાં રાજકિય મોરચે પણ ચકચાર જાગી હતી. પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ કર્મચારીઓને ઝડપી પાડી તેઓની પાસેથી ૧૦૯ સિલિન્ડર અને બે ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એસઓજી પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ એસઓજી પોલીસને માહિતી મળી હતી કે નિઝામપુરા વિસ્તારની હેપ્પીહોમ ગેસ એજન્સીના કોન્ટ્રાક્ટ ટેમ્પો ડ્રાઈવરો દ્વારા એજન્સીના ગ્રાહકોને ઘરે પહોંચાડવામાં માટે આપવામાં આવતા રાંધણ ગેસના સિલિન્ડરોમાંથી જાેખમી રીતે ગેસની ચોરી કરી તેને ખાલી સિલિન્ડરોમાં ભરીને વેંચવાનું કૈાભાંડ આચરવામાં આવી રહ્યું છે. આ માહિતીના પગલે પોલીસે ટેમ્પોચાલકો પર વોચ ગોઠવી હતી જે દરમિયાન એજન્સીમાંથી રાંધણ ગેસના સિલિન્ડરોને ડિલિવરી આપવા માટે નીકળેલા બે ટેમ્પો ડ્રાઈવરો ટેમ્પોને કારેલીબાગ વીઆઈપીરોડ પર આવેલા જલારામનગરમાં રહેતા ટેમ્પોચાલક જયેશ ભરવાડના ઘરની પાછળ ખુલ્લામાં લઈ ગયા હતા. બંને ટેમ્પોના ડ્રાઈવરો અને કન્ડકટરોએ ટેમ્પોમાંથી સિલિન્ડરોનું સીલ તોડીને તેમાંથી રબરની પાઈપ વડે અત્યંત જાેખમી રીતે રાંધણ ગેસની ચોરી કરી તેને અન્ય ખાલી સિલિન્ડરોમાં ભરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ગેસ ચોરી દરમિયાન એસઓજીનો કાફલાએ ત્યાં દરોડો પાડી ગેસની ચોરી કરી રહેલા ગોત્રીમાં રહેતા ટેમ્પોડ્રાઈવરો અને કન્ડકટર જીજ્ઞેશ માળી, હેમંત માળી અને વિપુલ ભરવાડને રંગે હાથ ઝડપી પાડ્યા હતા જયારે જયેશ ભરવાડ ફરાર થયો હતો. 

પોલીસે ઘટનાસ્થળેથી બે ટેમ્પો તેમજ ૧૯૦ રાંધણગેસના ખાલી અને ભરેલા સિલિન્ડરો કબજે કરી ત્રણેયની અટકાયત કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો મળી હતી કે ગેસ ચોરીનું કૈાભાંડમાં સંડોવાયેલા આરોપીઓ જે એજન્સીના ટેેમ્પોચાલક અને ક્લિનરો છે તે એજન્સી શહેરના ધારાસભ્ય જીતુ સુખડિયાના પુત્રની માલિકીની હોવાની વાત વહેતી થતાં ચકચાર મચી હતી. આ ગેસ ચોરી કૈાભાંડમાં અન્ય કોઈ મોટા માથાની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી ફરાર આરોપી જયેશ ભરવાડની શોધખોળ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution