વડોદરા, તા. ૬
રામનવમીના દિવસે થયેલા કોમી છમકલા બાદ આજે હનુમાન જયંતિ નિમિતે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી લોખંડી બંદોબસ્ત વચ્ચે નીકળેલી બે શોભાયાત્રા કોમી એખલાસના માહોલ વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો.
રામનવમીના દિવસે થયેલા કોમી છમકલા બાદ પોલીસ સતર્ક થઇ હતી અને સંવેદનીશીલ વિસ્તારોમાંથી હનુમાન જયંતિ નિમિત્તે માત્ર બે શોભાયાત્રાઓને મંજૂરી આપવામાં આવી હતી.પોલીસ દ્વારા આપવામાં આવેલ મંજૂરીમાં શોભાયાત્રાના રૂટ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. પોલીસે ડીપ પોઇન્ટ, ધાબા પોઇન્ટ સહિત ૭૦૦થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતાં. જેમાં એક શોભાયાત્રા બપોરે ૪.૩૦ કલાકે નાની છીપવાડ મહાલક્ષ્મીમાતાના મંદિરેથી નિકળેલી શોભાયાત્રા અને બીજી શોભાયાત્રા ફતેપુરા વિસ્તારમાંથી સાંજે પાંચ કલાકે નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં રામભક્તો ઉમટી પડયા હતા. ફતેપુરા અને નાની છીપવાડાથી નીકળેલી શોભાયાત્રામાં પોલીસે બંન્ને શોભાયાત્રાને દોરડા વડે કવર કરીને લોખંડી બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. શોભાયાત્રાના દરેક રૂટ પર ઠેર ઠેર પોળ,શેરીના નાકા પર પોલીસ ઉભી કરી દેવામાં આવી હતી. શોભાયાત્રાના સમગ્ર રૂટ પર ડ્રોન કેમેરાથી તોફાની તત્વો પર નજર રાખવામાં આવી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ આ શોભાયાત્રામાં સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ હતુ. શોભાયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસની ડીસીબી ક્રાઇમ, એસઓજી સહિતની સ્કવોર્ડ દ્વારા પણ અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતુ. મુસ્લિ અગ્રણીઓ દ્વારા પણ આ શોભાયાત્રામાં કોમી એકતા લાવવા માટે શોભાયાત્રાનું ચાપાનેર દરવાજા પાસે ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં કોમી એકતા અને પોલીસના લોખંદી બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા પોલીસે રાહતનો દમ લીધો હતો.
શોભાયાત્રાનું ઠેર-ઠેર રામધૂન અને ફૂલહારથી સ્વાગત
ફતેપુરાથી નીકળેલી શોભાયાત્રાનું શોભાયાત્રાના રૂટ પર આવતા શેરી, નાકા, પોળના મંડળો દ્વારા શોભાયાત્રાનું રામધુન અને ફુલહારથી મોટી સંખ્યામાં રામભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
મુસ્લિમ અગ્રણીઓએ સ્વાગત કર્યું
રામનવમીના દિવસે થયેલા કોમી છમકલા બાદ શોભાયાત્રાના અગ્રણી અને મુસ્લિમ અગ્રણીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બંન્ને અગ્રણીઓ દ્વારા શાંતી પૂર્ણ રીતે શોભાયાત્રા નીકળે તે આશયથી સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળેલી બંન્ને શોભાયાત્રામાં મુસ્લીમ અગ્રણીઓએ ચાંપાનેર દરવાજા પાસે ફુલહારથી સ્વાગત કરીને કોમી એખલાસનું ઉદાહરણ પુરુ પાડ્યું હતું.
ડ્રોન કેમેરા - ધાબા પોઈન્ટથી પોલીસની બાજનજર
હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પોલીસે સમગ્ર રૂટ પર તોફાની તત્વો ને ઝડપી પાડવા તથા શોભાયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી હતી. વધુમાં પોલીસ દ્વારા શોભાયાત્રાના રૂટ પર આવતા ઠેર ઠેર ધાબા પર પણ પોલીસ તૈનાત કરીને વિસ્તાર પર નજર રાખવામાં આવી હતી.
એમસીસી વાન દ્વારા પોલીસનુંુ સતત મોનિટરીંગ કરવામાં આવ્યું
એમસીસી વાન દ્રારા હનુમાન જયંતિ નિમિતે નીકળેલી બંન્ને શોભાયાત્રામાં પોલીસે સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. એમસીસીવાનની ઉપરની બાજુમાં ત્રણે બાજુ કેમેરા લગાવવામાં આવ્યા છે. વાનની અંદરથી જ આ કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવતુ હોય છે. એમસીસી વાન સમગ્ર શોભાયાત્રાની સાથે સાથે જ ચાલતી હતી જેથી શોભાયાત્રામાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમાટે પોલીસે એમસીસીવાન થકી સતત મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.