મોરબી-
હળવદના માથક ગામે બે દિવસ પહેલા સાત જેટલા ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કર્યાનો બનાવ પ્રકાશમાં આવતા ગૌ-પ્રેમીઓઓમાં ઉગ્ર રોષ વ્યાપી ગયો છે. આ નરાધમોને કડકમાં કડક સજા થાય તે માટે ગામના સરપંચે અજાણ્યા શખ્સો સામે ગૌવંશ ઉપર હુમલો કર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
હળવદ પોલીસ મથેકથી મળતી વિગતો મુજબ માથક ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં સાત જેટલા ગૌવંશ ઉપર કોઈ ધારદાર હથિયારો વડે નિર્દયી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ગત્ત તારીખ 10 ના રોજ કોઇ અજાણ્યા ઇસમે ગાય જીવ-1 તથા ખુંટીયા જીવ 6 ને કોઇ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આટલા ગૌવંશ ઉપર હુમલો કરાતા ગૌપ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
જો કે, ગંભીર ઇજાગ્રસ્ત તમામ ગૌવંશને સઘન સારવાર આપવામાં આવી રહી છે. આ બનાવથી નાના એવા ગામમાં ગૌવંશ ઉપર હુમલો કરનારા અજાણ્યા નરાધમો સામે ફિટકારની લાગણી વરસી છે. અજાણ્યા નરાધમોને સખતમાં સખત સજા મળે તે માટે માથક ગામના સરપંચ વાઘજીભાઇ મનુભાઇ પરમારે અજાણ્યા શખ્સો સામે ગૌવંશ ઉપર હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે. આથી હળવદ પોલીસે આ ફરિયાદ સંદર્ભે અજાણ્યા શખ્સો સામે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.