નવી દિલ્હી:ભારતની ન્યાય પ્રણાલીને વિશ્વમાં ખૂબ મોટી અને ખૂબ જ જટિલ માનવામાં આવે છે. ભારતની અદાલતોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા અનેક પ્રકારનાં પડકારો રજૂ કરે છે. આ મામલે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે કે ડિસેમ્બરની સ્થિતિએ દેશભરની વિવિધ અદાલતોમાં ૪૩ લાખથી વધુ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ છે. આ કેસોમાં રાજસ્થાન ટોચ પર છે, જ્યાં ૬.૪ લાખથી વધુ કેસ પેન્ડિંગ છે.
રાજસ્થાન બાદ મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આવે છે.હકીકતે ચેક બાઉન્સના કેસો સામાન્ય અદાલતોમાં ચલાવાય છે કારણ કે તે અપરાધિક પ્રકૃતિનાં હોય છે.
તાજેતરમાં ૨૦ ડિસેમ્બરે કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે સંસદમાં જણાવ્યું હતું કે, ચેક બાઉન્સના મામલામાં વિલંબ માટે ઘણા કારણો જવાબદાર છે. જેમાં વારંવાર સ્થગિત થવું, કેસોની દેખરેખ અને સુનાવણી માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ અને વિવિધ કેસોના નિકાલ માટે સમય મર્યાદાનાં અભાવનો સમાવેશ થાય છે. ચેક બાઉન્સના કેસોમાં થતાં વિલંબને ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે ૧૦ માર્ચ ૨૦૨૧ના રોજ ૧૦ સભ્યોની સમિતિની રચના કરી હતી. સમિતિનો ઉદ્દેશ્ય કેસોના ઝડપી નિકાલ માટે જરૂરી પગલાઓનો અભ્યાસ કરવાનો હતો. સમિતિએ સ્પેશિયલ નેગોશિયેબલ ઈન્સ્ટ્્રુમેન્ટ્સ કોર્ટ બનાવવાની ભલામણ કરી હતી. ઉપરાંત, પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશના પાંચ જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે વિશેષ અદાલતોની સ્થાપવા સૂચન કરાયું હતું.