હળાહળ કળયુગ : સગીરવયની મામાની દીકરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરો૫ી ઝડપાયો

આણંદ, તા.૧૩ 

આણંદ જિલ્લાના ઓડ ગામેથી ગત જાન્યુઆરી માસમાં સગીર વયની મામાની દીકરીને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને આણંદના સર્કલ પોલીસ ઇન્સપેક્ટર સહિતની ટીમે ઝડપી પાડ્યો છે. વડોદરા જિલ્લાના સાવલી પંથકમાંથી પકડાયેલાં આ આરોપીને વધુ તપાસ અર્થે ખંભોળજ પોલીસને હવાલે કરવામાં આવેલ છે. પોલીસે બપોરના સુમારે તેની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ, આણંદ જિલ્લાના ખંભોળજ પોલીસ મથકે નોંધાયેલ ફ.ગુ.ર.નં.૬૯/૨૦૨૦ ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬, ૩૭૬ અને પોસ્કો કલમ ૪.૬, ૧૮ ના ગુનાના આરોપી સંજય ગોરધનભાઈ માળી (રહે. ઘોડાસર, તા. ડેસર, જિ. વડોદરા)ને આણંદના સર્કલ પોલીસ ઈન્સપેક્ટર એમઆઈ ઝાલા સહિતની ટીમે મળેલી બાતમીના આધારે વડોદરા જિલ્લાના સાવલી ગામેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલાં આરોપીને વધુ તપાસ અર્થે ખંભોળજ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે બપોરના સુમારે સંજય માળીની ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સંજય માળી ગત ૨૮મી જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ આણંદ જિલ્લાના ઓડ ગામેથી તેના મામાની સગીરવયની દીકરીને લગ્ન કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે ખંભોળજ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આ ગુનામા તે વોન્ટેડ હતો. આખરે પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યો છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution