ગાંધીનગર, મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદે મિલાદ ઉન નબીના રોજ રાજયમાં ઝૂલૂસ કાઢવા દેવામાં આવે તેવી માંગણી મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને મહમદ જાવેદ પીરજાદા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી. જે અંગે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી હોવાનું ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે. આ મંજૂરી આપવા બદલ ત્રણેય ધારાસભ્યોએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે.
અમદાવાદના દરિયાપૂરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અનુસાર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ત્રણે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, મહમદ જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલાની માંગણીના અનુસંધાને ઈદે મિલાદુન્નબીના જુલુસની શરતી પરવાનગી સમગ્ર ગુજરાત રાજ્ય માટે આપવામાં આવી છે. આ અંગે ગૃહ રાજ્ય મંત્રી દ્વારા ટેલિફોનિક જાણ કરવામાં આવી છે. જાે કે, કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે જુલુસનો સમય, ઝૂલૂસમાં જાેડાનાર વ્યક્તિઓની સંખ્યા અને એસઓપી અંગેની સત્તાવાર જાહેરાત મોડી રાત સુધીમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. ઈદે મિલાદ ઉન નબીના ઝૂલૂસ કાઢવા માટેની શરતી મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા ડીજીપી દ્વારા અપાઈ છે. તે બદલ ત્રણે મુસ્લિમ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા અને ઇમરાન ખેડાવાલાએ સમગ્ર રાજ્યના મુસ્લિમ સમાજ વતી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.