માગશર સુદ પૂનમના દિવસે ગિરનારના અધિષ્ઠાતા દેવ તરીકે પૂજાતા આવતા ગુરુદત્ત મહારાજની જન્મ જયંતી છે. આદિ અનાદિકાળથી ગુરુ દત્ત જયંતિના પાવન પ્રસંગે ગીરનાર પર્વત પર પરથી ગુરુદત્ત મહારાજની પાલખીયાત્રા ધાર્મિક વિધિ વિધાન સાથે કાઢવામાં આવે છે. જે પરંપરા આજે પણ જળવાતી જોવા મળી રહી છે. ગિરનાર પરથી પાલખીયાત્રા વહેલી સવારે નીકળી હતી જે ભવનાથ પરિક્ષેત્રમાં ફરીને પરત નીજ ગિરનાર પર્વત પર જવા રવાના થઈ હતી.
જેના દર્શન કરીને ગુરુ મહારાજના સાધકોને દર્શનાર્થીઓએ ગુરુદત્ત મહારાજના આશીર્વાદ મેળવ્યા હતાં. પાલખીયાત્રા ગિરનાર પર્વતથી લઈને ભાવનાથ મંદિરમાં આવેલા ગુરુદત્ત ચોક સુધી આવી હતી. અહીં ગુરુદત્તની ચરણપાદુકાનું ધાર્મિક વિધિ સાથે પૂજન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્યારબાદ આ પાલખીયાત્રા ભવનાથ મહાદેવ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અહીં મહાદેવની સમક્ષ સાધુ-સંતો અને મહંતોએ ગુરુદત્ત મહારાજની પૂજા કરીને ભાવનાથ મહાદેવના આશીર્વાદ પણ મેળવ્યા હતાં. અહીંથી પરત ફરતી વખતે જેને શિવના સૈનિકો માનવામાં આવે છે તેવા નાગા સંન્યાસીઓ પણ ગુરુદત્તની પાલખી યાત્રામાં જોડાયા હતા અને નાચગાન સાથે ગુરુદત્ત મહારાજની જન્મ જયંતી ભારે ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવી હતી. અહીંથી પાલખીયાત્રા ભવનાથ સ્થિત જુના અખાડા પહોંચી હતી. અહીં પણ સાધુ-સંતો અને મહંતો દ્વારા પાલખી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ધાર્મિક વિધિ મુજબ તેનું પૂજન કરીને આ પાલખીયાત્રા પરત ગિરનાર પર્વત પર પરત ફરી હતી.