અસ્થિ વિસર્જનની વ્યવસ્થાની ગુલબાંગો ચિતાઓ ભેગી રાખ થઈ!

વડોદરા : કોરોના મહામારીને કારણે શહેરીજનો ઉપર આવી પડેલી આફતને અવસરમાં બદલવાની એકપણ તક શહેર ભાજપા છોડતું નથી. ત્યારે સરકારની જવાબદારી અને નાગરિકોના હક્કને શહેર ભાજપા સેવાના નામે જશ ખાટવાની જાહેરાતો કરે છે પરંતુ કોઈ જ પ્રકારની નક્કર કાર્યવાહી નહીં થતી હોવાનું બહાર આવ્યું છે. અસ્થિકુંભની સેવાનું સુરસુરિયું થઈ ગયું છે. સ્મશાનોમાં અસ્થિકુંભના ઢગલે-ઢગલા થઈ ગયા છે. સરકાર ભાજપાની છે એટલે સરકારી સહાય તો સમજ્યા, પરંતુ લોકભાગીદારી, સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, એનજીઓની કાર્યવાહીને પણ શહેર ભાજપા પોતાના દ્વારા થયેલી કાર્યવાહીમાં ખપાવવાનો બાલીશ પ્રયાસ આવા કપરા સમયે કરી રહી છે.

ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેરમાં કોરોનાની મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના અસ્થિકુંભની સેવાના નામે સરકારી દવાખાનાઓમાં મૃત્યુ પામેલા કોરોનાના દર્દીઓના મૃતદેહના અસ્થિકુંભ સ્મશાનમાંથી કુટુંબીજનો સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાની જાહેરાત શહેર ભાજપા અધ્યક્ષ વિજય શાહના ફોટા સહિત કરવામાં આવી હતી.

આ જાહેરાતમાં ડો. હિતેન્દ્ર પટેલ અધ્યક્ષ સ્થાયી સમિતિ અને અલ્પેશ લીમ્બાચિયા, નેતા શાસકપક્ષના નામ લખી મોબાઈલ નંબર ૯૮૭૯૧ ૧૧૨૯૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું હતું. ત્યારે આજદિન સુધી ભાજપા તરફથી આવા અસ્થિકુંભ લઈને કોઈપણ આવ્યું હોય એવું કોરોનાથી મોત પામેલાઓના પરિવારજનોએ જણાવ્યું છે. જેના કારણે શહેરના જુદા જુદા સ્મશાનોમાં અસ્થિકુંભના ઢગલે-ઢગલા જમા થઈ ગયા છે. શહેરીજનોમાં એટલી હદે ડર પેસી ગયો છે કે અસ્થિકુંભ લેવા માટે પણ જવા કોઈ તૈયાર નથી, ત્યારે ભાજપાની આવી અસ્થિકુંભ ઘરે પહોંચાડવાની જાહેરાતને પગલે અનેક પરિવારો કે જેમને કોરોનામાં સ્વજનોને ગુમાવ્યા છે એવા પરિવારો એમના મૃતક પરિજનના અસ્થિકુંભ લઈને શહેર ભાજપા તરફથી કોઈ આવશે અને એને પધરાવી સદ્‌ગતનો મોક્ષ થશે એવી આશાએ મીટ માંડી રહ્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution