ગાંધીનગર-
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે આજે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે, બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે. ભાજપના પ્રદેશ મીડિયા કન્વિનર ડૉ. યજ્ઞેશ દવેના જણાવ્યા પ્રમાણે શપથવિધિના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ ઉપસ્થિત રહેશે.મુખ્ય મંત્રીના પદ માટે નામની જાહેરાત બાદ ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ આચાર દેવવ્રત સમક્ષ સરકાર રચવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો. સાથે જ આ શપથવિધિના સમારોહમાં મધ્ય પ્રદેશ, કર્ણાટક તથા ગોવાના મુખ્ય મંત્રીઓ હાજર રહેશે. સોમવારે સવારે ભૂપેન્દ્ર પટેલે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના નિવાસસ્થાને જઈ તેમની સાથે પણ મુલાકાત કરી હતી. સાથે જ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મુખ્ય મંત્રીના નિવાસસ્થાને જઈને કાર્યકારી મુખ્ય મંત્રી વિજય રૂપાણીની પણ મુલાકાત લીધી હતી.
સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના નવ નિયુક્ત થયેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ રાજ ભવન ખાતે મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરશે. આ સપથ કાર્યક્રમમાં ગણતરીના નેતાઓ જ હાજર રહેશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ હાજર રહેશે. ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની વાત કરવામાં આવે તો બે દિવસ બાદ ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળના અન્ય સભ્યો પણ શપથ ગ્રહણ હોય પરંતુ નવા મંત્રી મંડળનું નામ નક્કી ન થયું હોવાના કારણે બે દિવસ બાદ કેબિનેટ કક્ષા અને રાજ્યકક્ષાના પ્રધાનોના શપથ ગ્રહણ બે દિવસ બાદ યોજવામાં આવશે. જ્યારે 15 જેટલા પ્રધાનો ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં રહેશે તેવી પણ વાતો સામે આવી રહી છે.