ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં રેકોર્ડબ્રેક વરસાદ, સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

અમદાવાદ-

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 28 દિવસમાં જ 16 ઈંચ આશરે 52 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ માસ સુધીમાં માત્ર 14.49 આંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં માત્ર 7.88 ઈંચ જ વરસાદ વરસ્યો છે. મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સીઝનનો અંદાજે 60થી 70 ટકા વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે આ બંને મહિનામાં ઘણો ઓછો વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર સવા બે ઈંચ જ વરસાદ થયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો.

સિંચાઈ વિભાગના અધિકારીઓ મુજબ રાજ્યના 206 ડેમમાં 4 લાખ 46 હજાર 45 MCFT(મિલિયન ક્યૂબિક ફિટ) પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 80 ટકા છે. હાલ રાજ્યમાં 96 જળાશય હાઈ એલર્ટ પર છે તો 9 જળાશય એલર્ટ પર છે તેમજ 13 જળાશય વોર્નિંગ પર છે. વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની 17 ટીમ સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે, જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોઇ કરવામાં આવી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution