ગાંધીનગર-
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે એકવાર ફરી આગાહી કરી છે. આવતા 4 દિવસ છૂટો છવાયો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આપને જણાવી દઇએ કે, રાજ્યમાં અત્યાર સુધીમાં 134 ટકા વરસાદ પડી ચુક્યો છે.
રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જો કે 4 દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. દેશમાં વરસાદનું આગમન દક્ષિણ કેરલથી થાય છે. પણ તેની વિદાય પશ્ચિમ કચ્છ અને રાજસ્થાનથી શરૂ થાય છે. તે દરમિયાન હાલ સૌરાષ્ટ્રમાં સવારનાં ભેજનું પ્રમાણ ઘટયું છે. વરસાદે વિરામ લીધો છે. જે હવે ફરી રાજ્યમાં વરસાદી ઝાપટા 4 દિવસ જોવા મળી શકે છે.
સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે. બીજી તરફ રાજ્યમાં 24 કલાકમાં 25 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમા ત્રણ તાલુકાઓમાં 1 થી 3 ઇંચ સુધી વરસાદ અને અન્ય 22 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. અહી તલાલામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનુ પણ સામે આવ્યુ છે. અહી 24 કલાકમાં ભારે વરસાદ પડતાં ઠંડક પ્રસરી છે. નર્મદા જિલ્લાનાં ડેડિયાપાડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અહી 24 કલાકમાં વરસાદી ઝાપટા પડયા હતા. અહી ભારે બફારા બાદ ઠંડક પ્રસરી હતી.