ગાંધીનગર-
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિ 16 સપ્ટેમ્બરે યોજાશે. આ માટે તમામ ધારાસભ્યોને બુધવારે સાંજ સુધીમાં ગાંધીનગર પહોંચવા સૂચના અપાઈ છે. નવા મુખ્યમંત્રીએ પદભાર સંભાળ્યા પછી મંત્રીમંડળમાં કોને રાખવા અને કોને પડતાં મુકવા એના અંગે ભારે અટકળો ચાલે છે ત્યારે સ્વાભાવિક રીતે સૌ કાર્યકરોની નજર અમિતભાઇના નિવાસસ્થાને કોણ મુલાકાતે જાય છે એના ઉપર હોય તે સ્વાભાવિક છે. હાલના મંત્રીમંડળમાં એમના વિશ્વાસુ કે નજીકના મનાતા મંત્રીઓ પણ વિમાસણમાં મુકાયા છે. બીજી તરફ કાર્યકરોમાં નવા કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને સ્થાન મળશે એવી લાગણી વધારે પ્રબળ બની છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં કુલ ૧૮ મંત્રીઓ થપથ ગ્રહણ કરે અને હાલના મંત્રીમંડળમાંથી કેબિનેટ કક્ષના ૬ અને રાજ્યકક્ષાના ૭ મળીને કુલ ૧૩ મંત્રીની બાદબાકી નિશ્ચિત મનાય છે. જોકે રાજકીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા મંત્રીમંડળમાં કોઈ નાયબ મુખ્યમંત્રી નહીં હોય અને જો આખરી ઘડીએ નિર્ણય બદલાય તો નાયબ મુખ્યમંત્રી તરીકે હાલના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પસંદ કરાશે.
કેબિનેટના સભ્યોમાં કોનો સમાવેશ કરાશે અને ક્યા મંત્રીને ડ્રોપ કરવાના છે તેનો નિર્ણય ભાજપના સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી બી સંતોષ અને ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવ્યો છે. મોડી રાત્રે અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આ બન્ને મહાનુભાવો હાજર રહ્યાં હતા. કેબિનેટની રચનામાં વિસ્તાર અને જ્ઞાતિને પ્રભુત્વ આપવાનું હોવાથી ખૂબ ચોકસાઇ રાખવામાં આવી રહી છે.ભાજપના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ત્રણ રાજ્યોમાં લેવામાં આવેલા નિર્ણયોની અસર અન્ય રાજ્યો અને કેન્દ્ર સ્તરે પણ જોવા મળી રહી છે. બદલાવોથી અસહજ નેતોઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જો કે, પાર્ટી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે, નિર્ણયો પાર્ટીના હિતમાં અને રણનીતિને આધારે લેવામાં આવી રહ્યાં છે.