ગાંધીનગર-
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાલ કોરોના સંક્રમિત છે અને હાલ તેઓ અમદાવાદ-ગાંધીનગરની અપોલો હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. તેઓનો આજે બીજો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવતા ભાજપની ચિંતા વધી ગઈ છે.
સી.આર.પાટીલને ગત તા.8 ના રોજ કોરોના સંક્રમણના કારણે અપોલો હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જયાં પહેલા તેઓનો એન્ટીજેન ટેસ્ટ નેગેટીવ આવ્યો હતો પણ બાદમાં આરટી-પીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવતા સારવાર હેઠળ હતા.
આજે તેમનો બીજો ટેસ્ટ કરાતા તેઓ હજુ સંક્રમિત છે તે જાહેર થયુ છે અને પોઝીટીવ જાહેર થતા હવે તેઓનો હોસ્પીટલ વાસ લંબાશે. શ્રી પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સૌરાષ્ટ્ર સહીતની યાત્રાએ હતા. બાદમાં તેઓ દક્ષિણ અને ઉતર ગુજરાતની યાત્રા કરી હતી પણ તેમનું સ્વાસ્થ્ય ખરાબ થતા તેઓએ પોતાની યાત્રા પડતી મુકી હતી અને સારવાર માટે પહોંચ્યા હતા. જયાં તેઓનો રીપોર્ટ બીજી વખત પોઝીટીવ આવ્યો છે.