અમદાવાદ-
અમદાવાદમાં ભાજપના નેતાની હત્યાનું કાવતરું નિષ્ફળ બનાવ્યા બાદ એક પછી એક મોટા પર્દાફાશ થઈ રહ્યાં છે. અમદાવાદના રિલિફ રોડની વિનસ હોટેલ પર મધરાત્રે ૩ વાગ્યે એટીએસની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં એક શાર્પશૂટરે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું. આખરે એક શાર્પશૂટર પકડાઈ ગયો છે, અને અન્ય એક ભાગી છૂટ્યો છે.
ભાજપના નેતાની હત્યાના ષડયંત્ર મામલે ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ પર હુમલો કરવાની માહિતી હતી. અમદાવાદમાં રિલીફ રોડ પર આવેલી હોટેલ વિનસમાં બે શાર્પ શૂટરની બાતમી મળતા આ ઓપરેશન પાર પાડવા માટે રાત્રે હોટલની બહાર ઉચ્ચ અધિકારીઓએ દ્યેરી લીધી હતી. મોડી રાત્રે તપાસ કરતા એક શંકાસ્પદ વ્યકિત હોટલમાં હતો. જયારે એટીએસ ટીમ સહિત પોલીસનો કાફલો હોટલના રૂમનો દરવાજો ખખડાવ્યો અને અંદર જતા શાર્પ શૂટરે ફાયરિંગ કર્યું હતું. જો કે તે મિસ થઈ ગયું હતું. શાર્પ શૂટરનું નિશાન ચૂકી જતા હોટલના રૂમની છતના ભાગમાં ગોળી વાગી હતી. બીજો વ્યકિત હોટલ સુધી પહોંચી નહોતો શકયો. રાજકીય નેતાઓ પર હુમલાના ષડયંત્રની માહિતી મળી આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, પોલીસ તંત્રની સતર્કતાથી આવા ષડયંત્રો નાકામ રહ્યું છે. આરોપીઓ પાસેથી મળેલા મોબાઈલના ટેકિનકલ ડેટામાં વિગતો ઉપલબ્ધ હોવાની વાત કરી છે. આ સિવાય ભાજપ કાર્યાલય કમલમનો વીડિયો પણ મળ્યો હોવાની વાત કરી છે.
પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ભાજપના નેતાની હત્યાનું ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યુ છે. છોટા શકીલ ગેંગના સાગરિતની ધરપકડ કરાઈ છે. આ દ્યટનામાં ભાજપના નેતાની હત્યાનું ષડયંત્ર હતુ. રિલીફ રોડ પરની વિનસ હોટલનો ઘેેરો કરી મોડી રાત્રે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી એક શંકાસ્પદ વ્યકિત લોડેડ રિવોલ્વર સાથે હતો. જેમાં ધરપકડ કરવા જતા શૂટરે ફાયરિંગ કર્યુ હતું. અન્ય ૧ વ્યકિતની પણ શોધખોળ શરૂ કરાઈ છે. ધરપકડ કરેલા શખ્સના મોબાઈલમાંથી વધુ અંગેની વિગતો મળી આવી છે.
ગત મધ્યરાત્રિએ અમદાવાદના રિલિફ રોડ પરની વિનસ હોટલમાં ફાયરિંગથી ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. આ ફાયરિંગ છોટા શકીલના શાર્પશૂટરે કર્યું હતું જેમાં પીએસઆઈ નમી જતા બચી ગયા હતા. જયારે ગોળી દિવાલમાં ઘૂસી ગઈ હતી. પળવારમાં જ એટીએસના પીએસઆઇ આરોપી પર કૂદી ગયા હતા અને તેને દબોચી લીધો હતો. આરોપી સાથે અમદાવાદના કેટલાક લોકો સંપર્કમાં હોવાની એટીએસને શંકા છે.
આ ઘટનામાં મોટો ખુલાસો થયો છે કે ભાજપના અન્ય રાજકારણીઓને નિશાન બનાવવાના હતા. જો કે, આ શાર્પશૂટરો ત્રાટકે તે પહેલાં જ તેઓ ઝડપાઈ ગયા હતા. જો કે, આ ઘટનાક્રમ પરથી દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ ગણાતા છોટા શકીલની ગેંગ ગુજરાતમાં ફરી એકિટવ થયાના મજબૂત સંકેતો મળ્યા છે.