અમદાવાદ-
ગુજરાતમાં કોંગ્રેસના આઠ ધારાસભ્યોએ, ધારાસભ્યપદેથી આપેલા રાજીનામાથી ખાલી પડેલી બેઠકની, પેટાચૂ્ંટણી આગામી 3જી નવેમ્બરના રોજ યોજાશે. પેટાચૂંટણી માટે જાહેર પ્રચારના પડધમ આજે સાંજથી શાંત થશે. કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવારો આજે સાંજથી જાહેરસભા કે જાહેર પ્રચાર નહી કરી શકે.
કોરોનાકાળમાં યોજાનારી ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચે વિશેષ માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. 3 નવેમ્બરના રોજ સવારથી સાંજ સુધી યોજાનાર ચૂંટણીમાં મતદારોએ સોશ્યલ ડીસ્ટન્સ -માસ્ક સાથે સેનિટાઈઝેશનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ચૂંટણીકાર્ય સાથે સંકળાયેલા કર્મચારીઓ તેમજ મતદાન કરવા આવનારા મતદારોના આરોગ્ય સુરક્ષા માટે પણ પંચે વિશેષ પગલાઓ લીધા છે. ૮ બેઠકોમાં ૧,૮૦૭ સ્થળોએ આવેલા ૩,૦૨૪ મતદાન મથકોએ કોરોના વાઈરસ અટકાવવા સામગ્રીઓની વિતરણ શરૂ કરી દેવાયું છે. મથકમાં પ્રવેશ પહેલા મતદારોનું તાપમાન, ઓક્સિજનની ચકાસણી કરાશે. આગામી 3જી નવેમ્બરના રોજ, સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છની અબડાસા, બોટાદની ગઢડા, સુરેન્દ્રનગરની લીમડી, અમરેલીની ધારી અને મોરબી બેઠકની પેટાચૂંટણી યોજાશે. તો દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વડોદરાની કરજણ, વલસાડની કપરાડા અને ડાંગ બેઠકની પેટાચૂંટણી માટે મતદારો મતદાન કરશે. આઠેય બેઠકો જીતવા માટે સત્તાધારી ભાજપે જ્યારે પોતાની આઠેય બેઠકો જાળવી રાખવા કોંગ્રેસે ખુબ મહેનત કરી છે. ભાજપે મતવિસ્તારના અને ગુજરાતના વિકાસને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. તો કોગ્રેસે પક્ષપલટો કરનારા ધારાસભ્યોની વફાદારી અને ભાજપ સરકારની નિષ્ફળતાને મુખ્ય મુદ્દો બનાવ્યો છે.