અમદાવદ-
આગામી 3 નવેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાનારી છે. જે સંદર્ભમાં 17થી 19 ઓક્ટોબર, 2020 દરમિયાન ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા સહિત વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સંગઠનાત્મક પ્રવાસનું આયોજન કરશે. 17 ઓક્ટોબરના રોજ આ સંગઠનાત્મક પ્રવાસ અન્વયે કચ્છના અબડાસા ખાતે સવારે 10 કલાકે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન આપશે.
18 ઓક્ટોબરના રોજ કરજણ ખાતે સવારે 10:00 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભાઈ ભટ્ટ તથા મોરબી ખાતે સવારે 10:00 કલાકે અને લીંબડી ખાતે સાંજે 5:00 કલાકે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા તથા પૂર્વ પ્રધાન શંકર ચૌધરી ઉપસ્થિત રહી ચૂંટણી વ્યવસ્થાપન અને સંગઠનાત્મક બાબતો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે.19 ઓક્ટોબરના રોજ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટ ડાંગ ખાતે સવારે 10:00 કલાકે અને કપરાડા ખાતે સાંજે 4 કલાકે તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પૂર્વ પ્રધાન શંકર ચૌધરી ધારી ખાતે સવારે 10:00 કલાકે અને ગઢડા ખાતે સાંજે 6 કલાકે ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપશે.