ગુજરાતઃ લોકસભા ચૂંટણીની આરપાર

લેખકઃ હિમાદ્રી આચાર્ય દવે


ગુજરાતમાં એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ચૂંટણી સંપન્ન થઈ.લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની ૨૫ બેઠકો પર ૫૯.૫૧ ટકા મતદાન થયું હતું, જે ૨૦૧૯ની સરખામણીમાં ચારેક ટકા ઓછું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન વર્ષ ૨૦૧૯માં ૬૪.૫૧ ટકા નોંધાયું છે. અત્યારે બંને મુખ્ય પક્ષો ઓછા મતદાનનો અર્થ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે.મતદાન બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે ગરમીના કારણે ૨-૩ ટકાનો ઘટાડો જાેવા મળ્યો છે. તેમ છતાં, ભાજપ તમામ બેઠકો જીતશે અને સતત ત્રીજી વખત તમામ ૨૬ બેઠકો જીતીને વિજયની હેટ્રિક નોંધાવશે. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો અને તેમની સરકારના વિકાસ કાર્યો જાેઈને મતદાન કર્યું છે. આ બાજુ, પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે કોંગ્રેસને આ વખતે ૨૦૦૯ના ચૂંટણી પરિણામોનું પુનરાવર્તન થવાની આશા છે. વર્ષ ૨૦૦૯માં કોંગ્રેસે ૧૧ બેઠકો જીતી હતી જ્યારે ભાજપને ૧૫ બેઠકો મળી હતી.


ઓછું મતદાન થવાના કારણો શું છે?

પ્રચંડ ગરમીના કારણે લોકો ઓછા બહાર આવ્યા હતા. તેમજ કોંગ્રેસને મત આપવા માંગતા ન હોય તેવા ભાજપના નારાજ મતદારો પણ નારાજગીના કારણે બહાર આવ્યા ન હતા. જેના કારણે ગત ચૂંટણીની સરખામણીએ ઓછું મતદાન થયું છે. આ વખતની ચૂંટણીમાં ખૂબ જ ચર્ચાસ્પદ રાજકીય મુદ્દો બન્યો હતો ક્ષત્રિય વિરૂધ્ધ રૂપાલાનો, જેમાં રાજકોટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય વિરોધી નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષની ભાવના જાેવા મળી હતી અને તેમણે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હતી પરંતુ ટિકિટ રદ્દ ન કરતાં ક્ષત્રિય સમાજે વિરોધના ભાગરૂપે ભાજપને મત ન કરવાની અપીલ કરી હતી. આ મુદ્દો પણ મતદાન ઓછું થવા માટેનું એક સમીકરણ માનવામાં આવી રહ્યું છે, અલબત્ત આ મુદ્દો કેટલો અસરકારક નીવડ્યો એ સમય બતાવશે. પુરુષોત્તમ રૂપાલાના નિવેદન સિવાય વધુ એક ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન જાેવા મળ્યું હતું, જેના કારણે ક્ષત્રિયો બાદ કોળી સમાજમાં રોષ જાેવા મળ્યો હતો. કેબિનેટમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોળી સમાજ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈને કોળી સમાજ રોષે ભરાયો હતો.


મતદાનની ટકાવારી સાથે ચૂંટણી પરિણામનો સંબંધ

સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે.મુંબઇ રાજયથી છુટા થયા બાદ ગુજરાતમાં પ્રથમ ચૂંટણી ૧૯૬૨માં યોજાઇ હતી. આ ચૂંટણી ૨૨ બેઠકો માટે યોજાઇ હતી. સમયાંતરે બેઠકોમાં વધારો થતો ગયો અને હાલ ૨૬ બેઠકો છે. ગુજરાત લોકસભા ચૂંટણીમાં મતદાનની વિગતો જાેઇએ તો પ્રથમ ચૂંટણીમાં ૫૭.૯૬ ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન વર્ષ ૨૦૧૯માં ૬૪.૪૧ ટકા નોંધાયું છે. ટકાવારીની દૃષ્ટિએ જાેઈએ ૧૯૯૯માં ૪૭% જેવું મતદાન થયુ ત્યારે ભાજપને ૨૦, કોંગ્રેસને ૬ સીટ મળી હતી. ૨૦૦૪માં ૪૫% મતદાન થયું ત્યારે ભાજપને ૧૪, કોંગ્રેસને ૧૨ સીટ મળી હતી. ૨૦૦૯માં ૪૭.૮૯ % મતદાન થયું ત્યારે ભાજપને ૧૫ અને કોંગ્રેસને ૧૧ સીટ મળી હતી.૨૦૧૪માં ૬૩% મતદાન છવીસે છવીસ સીટ ભાજપના ખાતામાં ગઈ હતી. ૨૦૧૯માં ૬૪.૫૧ % મતદાન અને બધી ૨૬ સીટ ભાજપને મળી. કોંગ્રેસની કારમી હાર થઈ હતી. અને અત્યારે ૨૦૨૪માં ૬૦.૧૩%મતદાન થયું છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪માં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ દ્વારા જન જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું જાે કે એ અસરકારક ન નીવડ્યું .

બનાસકાંઠામાં ઊંચું મતદાન, કોને ફાયદો થશે?

ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં હંમેશા વધુ મતદાન થાય છે. જે આ વખતે પણ જાેવા મળ્યું હતું.જે ગત ચૂંટણી કરતાં અલબત્ત ૩ ટકા ઓછું છે. કમિશનના ડેટા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી-અનામત વલસાડ લોકસભા બેઠક પર સૌથી વધુ ૭૨.૭૧ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે સૌરાષ્ટ્ર પ્રદેશમાં અમરેલી બેઠક પર સૌથી ઓછું ૫૦.૨૯ ટકા મતદાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં બધી બેઠક પર ઓછા મતદાન વચ્ચે બનાસકાંઠા બેઠક એવી છે જ્યાં ૨૦૧૯ની સરખામણીથી પણ વધુ મતદાન થયું છે. અહીં વર્ષ ૨૦૧૯માં ૬૫ ટકા મતદાન થયું હતું જે આ વખતે ૬૮.૪૪ ટકા નોંધાયું છે. મતદાન વધુ થવાથી એવું લાગે છે કે ભાજપ માટે સમસ્યા ઉભી થઇ શકે છે. બનાસની બેન, કોંગ્રેસના ગેનીબેન અને બનાસની દીકરી, ભાજપના રેખા ચૌધરી વચ્ચે અહીં મુકાબલો છે. જે રીતે વધારે મતદાનમાં વૃદ્ધિ અને મતદાન વખતે સ્થાનિકોના ઉત્સાહને જાેતાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ માટે આ બેઠક પર સારા પરિણામ જાેવા મળી શકે છે. પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકોટ સીટનું રાજકારણ હોટ ટોપિક રહ્યું એ પહેલાં બનાસકાંઠાની સીટ ખૂબ ચર્ચામાં હતી. નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધી અહીં સભા કરી ચુક્યા છે એ પરથી આ સીટના મહત્વનો ખ્યાલ આવી જાય. બીજું, શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તાર સમાવતી લોકસભા બેઠક મત વિસ્તારમાં મતદાનની ટકાવારીમાં વૃદ્ધિ થઈ છે. અમદાવાદ પૂર્વ, ખેડા, પોરબંદર, જામનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર,છોટા ઉદેપુર, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આમંદ, પંચમહાલ, દાહોદ, સુરત, નવસારી અને વલસાડ બેઠકમાં સરેરાશ મતદાનમાં વધારો થયો છે. તો બીજી બાજુ, મહેસાણા, અમદાવાદ, કચ્છ, પશ્વિમ, રાજકોટ, જૂનાગઢ,ભરુચ, બારડોલી અને વડોદરા બેઠક પર સરેરાશ મતદાનમાં ઘટાડો નોંધાયો છે.


પંચ દ્વારા મતદાનના અંતિમ આંકડા જાહેર થયા બાદ રાજ્યની ૨૫ લોકસભા બેઠકો પર જીત અને હારને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. અગાઉની ચૂંટણીઓ પર નજર કરીએ તો ઓછા મતદાનના કારણે કોંગ્રેસને અત્યાર સુધી ફાયદો થતો રહ્યો છે. ૬૦ ટકાથી વધુ મતદાન થયું હોય ત્યારે ભાજપ વીન -વીન સિચ્યુએશનમાં રહ્યું છે ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીમાં ૬૦ ટકાથી વધુ મતદાન થયું હતું અને ભાજપે તમામ ૨૬ બેઠકો જીતી હતી. જાે કે કોંગ્રેસ પાર્ટી વધુ મતદાનને પોતાની તરફેણમાં થયું હોવાનો દાવો કરી રહી છે. સ્વાભાવિક રીતે જ અત્યારે તો બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ૨૦૨૪ની આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૨૪ બેઠકો અને આમ આદમી પાર્ટીએ મળીને બે બેઠકો એમ ૨૬ બેઠકો પર ચૂંટણી લડી હતી જ્યારે ભાજપે એકલા હાથે તમામ ૨૬ બેઠકો પર ચૂંટણી લડી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution