ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે ગાઇડલાઇન જાહેર

અમદાવાદ-

રાજ્યમાં યોજાનારી વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાઇરસના સંક્રમણ અને લોકોના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ચૂંટણી પંચના દિશા-નિર્દેશોને પગલે રાજ્ય સરકારે ચૂંટણીપ્રચાર સંદર્ભે કેટલીક માર્ગદર્શક અગત્યની સૂચનાઓ SOP જાહેર કરી છે. અબડાસા, ધારી, લીંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચના મતે ત્રીજી નવેમ્બરે મતદાન યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

આ માર્ગદર્શિકા ની મુખ્ય બાબતો નીચે મુજબ છે. 


જે જગ્યાએ ચૂંટણી યોજાવાની છે ત્યાં પ્રચાર સભા કે અન્ય પ્રચાર માટે જેતે જિલ્લા મેજિસ્ટ્રેટ-પોલીસ કમિશનરની મંજૂરી મેળવી નીચે મુજબની ગાઈડ લાઈન સાથે સભા કે પ્રચાર કામગીરી કરી શકાશે

સભાના આયોજન માટે બંધ જગ્યામાં જગ્યા-સ્થળની ક્ષમતાના ૫૦ ટકા, પરંતુ મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદા રહેશે.

ખુલ્લી જગ્યામાં આ પ્રકારના કાર્યક્રમો માટે મેદાન / સ્થળના વિસ્તારને ધ્યાને લઈ છ ફૂટની દૂરી સાથેનું સામાજિક અંતર, સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને પર માસ્ક રાખવો , થર્મલ સ્કેનિંગની સગવડતા તેમ જ હેન્ડ વોશ, સેનેટાઇઝરની સુવિધાની શરતે ૧૦૦થી વધુ વ્યકિતઓના ચૂંટણી સંબંધિત રાજકીય સમારંભ માટે મંજૂરી આપી શકાશે.

સભા અને મિટિંગના સ્ટેજ ઉપર સામાજિક અંતર સાથે વ્યક્તિગત ખુરશી પર (સોફા રાખી શકાશે નહીં) અને સાતથી વધુ વ્યક્તિ સ્ટેજ ઉપર બેસી શકશે નહીં. જો સ્ટેજ મોટું હોય તો આગળ-પાછળ હરોળમાં વધુમાં વધુ ૧૪ લોકો ( હરોળદીઠ સાત વ્યક્તિ) બેસી શકશે.

આવા કાર્યક્રમમાં હાજર રહેનાર વ્યક્તિઓની સંખ્યા તથા અન્ય શરતોના પાલનની જવાબદારી આયોજકની રહેશે.

ઘેર-ઘેર પ્રચારમાં ઉમેદવાર સહિત ૫ વ્યક્તિની મર્યાદા રાખી શકાશે.

વાહનોના કાફલામાં દર પાંચ વાહનો પછી યોગ્ય અંતર રાખવાનું રહેશે.

વાહનોના બે કાફલા વચ્ચે ૧૦૦ મીટરના અંતરના બદલે ૩૦ મિનિટનો સમયગાળો રાખવાનો રહેશે.

કોવિડ-19ની માર્ગદર્શક સૂચનોને અનુરૂપ રહીને જાહેર રેલી યોજી શકાશે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ સભા માટે મેદાનો અગાઉથી નક્કી કરવાનાં રહેશે, . જેમાં આવ-જાની ચોક્કસ વ્યવસ્થા રાખવાની રહેશે.

લોકોની સંખ્યા વધે નહિ એ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને પોલીસ અધિક્ષકે કાળજી લેવાની રહેશે.

કોવિડ-19 સંદર્ભે આપવામાં આવેલી સૂચનાઓ જેમ કે માસ્ક પહેરવો, સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને થર્મલ સ્કેનિંગ વગેરેનો અમલ થાય એ માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કાળજી લેવાની રહેશે.

ઉમેદવાર દ્વારા નામાંકન દાખલ કરતા સમયે બેથી વધુ વ્યક્તિ તથા બેથી વધુ વાહનો રાખી શકાશે નહીં.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution