પાંડવો અને કૌરવો વચ્ચેનું મહાભારતનું યુદ્ધ પૂરું થયું એ પછી ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા જવાની તૈયારી કરવા લાગ્યા. એમણે જતાં પહેલા સૌની વિદાય લેવાનું વિચાર્યું પાંડવો તો બંધુઓને મળ્યા, પછી કૃષ્ણ પાંડવોની માતા કુંતીને મળવા ગયા. શ્રીકૃષ્ણ જઈ રહ્યા હતા, એથી કુંતી ઉદાસ હતા. કૃષ્ણે તેમને આગ્રહ કર્યો કે, ' હે માતાશ્રી ! અહીંથી જતા પહેલાં હું તમને કશુંક આપી જવા માંગુ છું. બોલો, શું આપતો જાઉં ?'
માતા કુંતીએ કહ્યું મારે કશું નથી જોઈતું, પરંતુ કૃષ્ણે એમને ફરી આગ્રહ કર્યો કે, 'તમે કશુંક જરૂર માંગો જ.' ત્યારે કુંતીએ કહ્યું 'તમારે મને જો કંઈક આપવું હોય તો મને દુઃખ આપો.' કુંતી માતાની આ વાત સાંભળીને બાજુમાં ઉભેલા પાંડવોને આશ્ચર્ય સાથે આઘાત લાગ્યો. તેમને થયું કે આપણે હજુ માંડ દુઃખો અને મુશ્કેલીઓમાંથી બહાર આવ્યા છીએ ત્યાં માતા ફરીવાર કૃષ્ણ પાસે દુઃખની માંગણી કરે છે ! આપણું પૂરું જીવન સમગ્ર દુઃખોની હારમાળા સમાન રહ્યું છે.
ભીમ બોલ્યા વિના ના રહી શક્યા. તેમણે કહ્યું, 'માતા આપણા પર આટલા બધા દુઃખો પડયા તે કંઈ ઓછા છે તે તમે હજુ પણ દુઃખોની માંગણી કરી રહ્યા છો ?' પરંતુ કૃષ્ણના ચહેરા પર કોઈ નવાઈની લાગણી ન હતી. તેઓ સમજી ગયા કે માતા કુંતી શું કહેવા માંગે છે. તેમણે કુંતીને સવાલ કર્યો કે મોટે ભાગે લોકો મારી પાસે સુખ- સમૃદ્ધિ માંગતા હોય છે, પણ તમો દુઃખ માંગી રહ્યા છો.'કુંતીએ ઉત્તરમાં કહ્યું, 'બધાને ભલે સુખ- સમૃદ્ધિ જોઈતા હોય પરંતુ અમને તો હંમેશા માત્ર આપનો સાથ જોઈએ છે. કેમ કે જ્યાં સુધી અમે દુઃખમાં હતા ત્યાં સુધી તમે અમારી સાથે હતા પરંતુ હવે જ્યારે દુઃખ જતું રહ્યું છે ત્યારે તમે પણ અમારો સાથ છોડી રહ્યા છો એટલા માટે અમે તમારી પાસેથી દુઃખની માંગણી કરી રહ્યા છીએ. જેથી અમને કાયમ તમારો સાથ મળતો રહે.
આમ, ઘણીવાર દુઃખ આશિર્વાદ બનીને ઉતરતું હોય છે. દુઃખના કપરાકાળમાં સાચા- ખોટા ઇન્સાનની પરખ થઈ જાય છે. સાચા મિત્રો આપત્તિના સમયે સાથે રહેતા હોય છે. દુઃખ માણસને માંજે છે, ભીતરથી સ્વચ્છ બનાવે છે. પરિણામે દુઃખ સરિતામાં તરીને બહાર આવેલા મનુષ્યો વધારે મજબૂત બનીને આવે છે.