ગ્રીસનું લેપ પુલ હાઉસઃ કુંડ કેન્દ્રિત રચના

લેખકઃ હેમંત વાળા | 

આવાસની રચનાના કેન્દ્રસ્થાનમાં કુટુંબ હોય છે. આવાસની રચનામાં કુટુંબના સભ્યો વચ્ચેનો પરસ્પરનો સંબંધ ગાઢ પણ બનવો જાેઈએ અને સાથે સાથે દરેક વ્યક્તિની ગોપનીયતા પણ જળવાવી જાેઈએ. આ માટે સામાન્ય રીતે વચમાં કૌટુંબિક સ્થાન તથા અન્ય અનૌપચારિક સ્થાનોની રચના કરી ફરતે વ્યક્તિગત સ્થાનોનું નિર્ધારણ કરાતું હોય છે. આ એક આ પ્રકારની રચના છે. પણ અહીં અનૌપચારિકતાને પણ ભૌમિતિક ઔપચારિકતા આપવાનો પ્રયત્ન કરાયો છે. આ આવાસમાં ભૌમિતિક ઘનાકાર દ્રઢતાપૂર્વક પ્રયોજાયા છે તો સાથે સાથે તેની ભૌમિતિક ગોઠવણમાં બાંધછોડ પણ કરાઈ છે. આનાથી જાણે બે વિરોધાભાસી જણાતી બાબતોનો એક સાથે સમન્વય થઈ જાય છે.

સ્થપતિ એરીસ્ટીડેસ ડલ્લાસ દ્વારા ગ્રીસમાં ૧૫૦ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતા ૨૦૨૦માં તૈયાર થયેલા આ આવાસની રચનામાં દ્રઢતા સાથેની સાદગી છે. અહીં કેન્દ્રમાં એક લાંબી તરણ-કુંડ કહી શકાય તેવી રચના કરાઈ છે, જેની આજુબાજુ અન્ય કૌટુંબિક માળખામાં અગત્યના કહી શકાય તેવા સ્થાન ગોઠવાયા છે. આ કુંડ કેન્દ્રસ્થાને હોવાથી આવાસની ઓળખ જ લેપ પુલ તરીકે સ્થાપિત થઈ. આ નાનકડો તરતા તરતા આંટા-ફેરા મારી શકાય તેવો કુંડ છે.

આ આવાસ અલાયદું- એકલું, વિરાન કહી શકાય તેવા સ્થળમાં બનાવાયું છે. અત્યારે તો અહીં આજુબાજુ કશું જ નથી,માત્ર એક રસ્તો આગળથી નીકળે છે. અહીં બહાર નીકળીને જાેવા ગમે એવા કુદરતી દ્રશ્યો પણ નથી. તેથી એવી રચનાની જરૂરિયાત જણાઈ હશે કે જે દ્રશ્ય અનુભૂતિ માટે સ્વર્યંનિભર હોય. એક નાનકડી જગ્યામાં જાણે અહીં પોતાની જરૂરિયાત મુજબ મકાનની અંદરની તેમજ બહારની પરિસ્થિતિનું સર્જન કરાયું છે. વળી અહીંનો માહોલ પણ એવો બનાવાયો છે કે જે જાણે તે એક જ કુટુંબ માટે હોય. આ કુંડની રચના પણ તે મુજબની જ જણાય છે - તેની ઓછી પહોળાઈ એ દર્શાવે છે કે આ એક વ્યક્તિગત તરણકુંડ છે. તેની આજુબાજુ રચાયેલા અર્ધ-ખુલ્લા કૌટુંબિક સ્થાનો પણ જાણે બે ત્રણ માણસો માટે જ છે. એક રીતે આ આવાસ કોમ્પેક્ટ બનાવાયું છે તો સાથે સાથે પાણીના કુંડના પ્રયોજનથી મનોવૈજ્ઞાનિક રીતે તેનો વિસ્તાર વધારવાની કોશિશ થઈ છે.

આ એક સરળ રચના છે કે જે એક છત નીચે ગોઠવાઈ ગઈ છે. આ છતનો એક તરફનો ભાગ લગભગ જમીનના સ્તરે આવે છે તો તેની સામેનો ભાગ લટકતો રહે છે, જેની નીચે બધા જ ઓરડાઓ ગોઠવાયા છે. એક રીતે જાેતા આ સ્લેબ કેન્ટિલિવર સમાન લાગે પણ બીજા દ્રષ્ટિકોણથી તે ચોસલા ઉપર ટેકવાયો હોય તેવી પ્રતીતિ થાય. આમ પણ આ મકાન ચોસલાની ગોઠવણના કન્સેપ્ટ પર બનાવાયું હોય તેમ માની શકાય.

આ મકાન જ્યાં બનાવાયું છે ત્યાં ખડકાળ જમીન હોય તેમ લાગે છે. તેના અનુસંધાનમાં અહીંની દીવાલોમાં ઘડી કાઢેલા કોંન્ક્રિટ જેવી છાપ ઊભી કરવા પ્રયત્ન થયો હોય તેમ જણાય છે. ક્યાંક આ આવાસ જમીનમાંથી કોતરી કાઢ્યું હોય એમ લાગે છે તો ક્યાંક જમીનમાંથી ઉગી નીકળ્યું હોય તેમ પણ જણાય છે. આ એક રસપ્રદ ઘટના છે.

પાછળનું પ્રવેશદ્વાર સીધું ભોજનખંડમાં ખુલે છે, જેની એક તરફ દિવાનખંડ છે અને બીજી તરફ રસોડું. આ સમગ્ર સ્થાન વચ્ચે કોઈ પણ પ્રકારની આડ-દીવાલ નથી. અહીંની વિશાળ બારી કુંડ તરફ નજર લઈ જાય છે. એક શયનકક્ષ કુંડની બીજી તરફ છે તો બીજાે શયનકક્ષ પ્રવેશ અને દીવાનખંડની વચ્ચે ગોઠવાયો છે. કુંડ અને તેની બંને તરફની દીવાલો વચ્ચે સાંકડી કહી શકાય તેવી જગ્યા છે, જેનાથી અલાયદો લાગતો શયનખંડ પણ દૂર નથી જણાતો. અહીં બે શયનખંડને ઉપર પરગોલા વડે રક્ષાયેલી પોતાની અંગત ખુલ્લી જગ્યા પણ મળે છે. આ તલ-દર્શનમાં કુંડની આસપાસ જે ખુલ્લી તેમજ અર્ધ ખુલ્લી જગ્યા રચાઈ છે તે આવાસના હૃદય સમાન છે. એમ જણાય છે કે કૌટુંબિક સંબંધોના સમીકરણ અહીં ફળીભૂત થતા હશે.

આ આવાસના સ્લેબ - ધાબા નીચે, એકબીજાને લંબમાં ગોઠવાયેલી બે લાંબી જે ઘનાકાર ચોસલા સમાન રચના બહાર નીકળે છે, જેમાં બે શયનખંડ સમાવાયા છે. આ રીતે દ્રશ્ય અનુભૂતિમાં આ સ્થાનોને મહત્વ મળે છે. તે ઉપરાંત લાંબો કુંડ પણ એક ચોસલા સમાન બનાવાયો છે. આ ચોસલા સિવાયની અન્ય જગ્યાઓને જાણે ખુલ્લી કરી દેવાઈ છે જેનાથી બહારની નિયંત્રિત રહેલી “અંગત” પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ સ્થપાઈ શકે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution