નવી દિલ્હી:લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એસ. એન. સુબ્રમણ્યમ ફરીથી ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે સરકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં કહ્યંુ હતું કે, બાંધકામના મજૂરો કલ્યાણકારી યોજનાઓ અને સુખ-સુવિધાઓ મળવાને કારણે કામ કરવાથી દૂર રહે છે. સીઆઇઆઇ સાઉથ ગ્લોબલ લિન્કેજ સમિટમાં તેમણે બાંધકામ ઉદ્યોગમાં મજુરોની અછત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
તેમણે ઉમેર્યુ હતું કે, દુનિયામાં મોટી સંખ્યામાં લોકો કામની શોધમાં પલાયન કરી રહ્યા છે. પરંતુ, ભારતમાં લોકો કામ માટે બીજે ક્યાંય જવા તૈયાર નથી. દેશના વિકાસ માટે રસ્તાઓ અને પાવર પ્લાન્ટ જેવી માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવું મહત્વપૂર્ણ છે. જાે કે મજુરોની અછતને કારણે આ મુશ્કેલ બની રહ્યું છે.
સુબ્રમણ્યમે કહ્યું હતું કે, લોકો કામ પર ન આવવાના ઘણા કારણો છે. જેમાં જન ધન ખાતું, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ગરીબ કલ્યાણ યોજના, મનરેગા જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજનાઓના કારણ લોકો ગ્રામ્ય વિસ્તારોમાં આરામથી રહેવાનું પસંદ કરી રહ્યા છે. કલ્યાણકારી યોજનાઓના કારણે અનેક મજુરો કામ કરવા માટે કે નોકરી માટે પલાયન કરવા માટે તૈયાર નથી. એલ એન્ડ ટી પાસે કર્મચારીઓને મેળવવા, ભરતી કરવા અને તેમની તહેનાતી માટે સમર્પિત એચઆર ટીમ છે. પરંતું તે છતા બાંધકામ ક્ષેત્રે શ્રમિકોને કામ પર રાખવામાં પડકારો વધી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પલાયન કરવાની ઈચ્છા ન હોવી એ હવે માત્ર બ્લુ કોલર વર્કર્સ સુધી જ મર્યાદીત રહ્યું નથી. હવે વ્હાઈટ કોલર્સ પ્રોફેસનલ્સમાં પણ આવી જ માનસિકતા છે. જ્યારે હું ગ્રેજ્યુએટ ઈજનેર તરીકે એલએન્ડટીમાં જાેડાયો હતો, તો મારા બોસે કહ્યું હતું કે, જાે તમે ચેન્નાઈથી છો તો દિલ્હી જઈને કામ કરો. પરંતુ આજે હું ચેન્નાઈના કોઈ વ્યક્તિને દિલ્હીથી કામ કરવા કહું છું તો તો તે માણસ ના પાડે છે. આજે કામની દુનિયા અલગ છે અને આપણે એ જાેવું પડશે કે એચએરની પોલિસીઓને કેવી રીતે સાનુકુળ બનાવી શકાય.
આ આગાઉ સીએમડી સુબ્રમણ્યમના એક નિવેદને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો હતો. તેમના આ નિવેદન પર ઘણો વિવાદ થયો હતો. ખરેખરમાં, તેમણે કર્મચારીઓને અઠવાડિયામાં ૯૦ કલાક અને રવિવારે પણ કામ કરવાનું કહ્યું હતું. એટલું જ નહીં, સુબ્રમણ્યમે એમ પણ કહ્યું હતું કે, રજાના દિવસે ઘરે બેસીને શું કરશો? તમે તમારી પત્નીને કેટલી વાર સુધી જાેતા રહેશો? આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ હતી.