વડોદરા
સ્વ.અટલ બિહારી વાજપેયીજીના જન્મદિન નિમિત્તે તા.૨૫ ડિસેમ્બરે સુશાસનદિન ઉજવવામાં આવે છે. સુશાસનદિન નિમિત્તે રાજ્યભરમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત લાભાર્થીઓ અને ગરીબ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સાધનસામગ્રી અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે વડોદરાના ત્રિમંદિર વરણામા ખાતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને અને કલેકટર શાલિની અગ્રવાલની ઉપસ્થિતિમાં સુશાસનદિન યોજાયો હતો.
સુશાસનદિન નિમિત્તે વરણામા સહિત જિલ્લાભરમાં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી કિસાન સહાય અને જુદી-જુદી કલ્યાણકારી યોજનાના જિલ્લાના ૧,૯૭૯ લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી કિસાન સહાય કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર ગાય નિભાવણી માટે ખર્ચ આપે છે અને ગાય નિભાવણી સાથે તેના છાણમાંથી ખાતર બને છે. ગાય આધારિત પ્રાકૃત્તિક ખેતી માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના અમલી કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, બ્રાઝિલમાં ભારતીય કુળની ગીર ગાયો અને સાંઢ મોકલવામાં આવ્યા હતા અને હાલ ત્યાં ૨૧ કરોડ ગીર ગાય છે.
ડિજિટલ માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધિત કરી કૃષિ કાયદા વિશે માહિતી આપી હતી. તેમણે દેશના વિવિધ પ્રાંત-રાજ્યના કૃષિકારો સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ડિજિટલ માધ્યમથી જાેડાયા હતા. ત્રિમંદિર વરણામા ઉપરાંત એપીએમસી ડેસર, નગરપાલિકા હોલ, પાદરા, ભીમનાથ મંદિર સાવલી ખાતે, એપીએમસી કરજણ, એપીએમસી શિનોર, સત્તરગામ પટેલ વાડી ડભોઇ અને એપીએમસી વાઘોડિયા ખાતે પણ લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કર્યુ હતું.