વલસાડ, તા.૨
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કરમબેલા ખાતે જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભિલાડ તેમજ હોમ ટેક્ષ્ટાઇલ ડીવીઝનના ઉપક્રમે ટકાઉ ખેતી પ્રોજેકટ અંતર્ગત ભિલાડ, કરમબેલી, વલવાડા, બોરલાઇ, અચ્છારી અને નાહુલી મળી કુલ સાત ગામના ૩૧૦ આદિજાતિ ખેડૂતોને વિના મૂલ્યે ખાતર અને બિયારણ વિતરણનો કાર્યક્રમ વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ અવસરે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જી.એચ.સી.એલ. ફાઉન્ડેશનની સેવાકીય કામગીરીની બિરદાવતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને આર્થિક પરિસ્થિતિ સુધરે તેવા રાજ્ય સરકારના પ્રયાસો રહયા છે. જેના ભાગરૂપે રાજ્યના ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ રાહતદરે બિયારણ અને ખાતર આપવાનું આયોજન કર્યું છે.
મંત્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લઇ પોતાનો વિકાસ સાધવા જણાવ્યું હતું. કૃષિ મહોત્સવના આયોજન થકી રાજ્યના ખેડૂતોને કૃષિ તજજ્ઞો, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી આધુનિક ખેતીની જાણકારી થકી આજે રાજ્યના ખેડૂતો મબલખ ખેત ઉત્પાદન મેળવી રહ્યા છે.