ગાંધીનગર-
રાજ્યમાં ત્રણ દિવસ થયેલા વાતાવરણના પલટની સૌથી મોટી અસર ગુજરાતના ખેડૂતો પર પડી છે. કમોસમી વરસાદે તેમની કામણી છીનવી લીધી છે. ગુજરાતભરમાં ખેતરનો ઉભો પાક પલળી ગયો છે, જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. આવામાં રાજ્ય સરકારે ખેડૂતો માટે વળતરની જાહેરાત કરી છે. ભરૂચમાં યોજાયેલ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નુકસાની અંગે નિવેદન આપતા કહ્યું કે, રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાનીનો સરવે કરાશે. રાજ્યમાં 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સરવે કરીને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે અને સાથે ધુમ્મસ નીકળતાં ધરતીપુત્રો ચિંતામાં મૂકાયા છે. હાલ ખેતરોમાં ઘઉ, ધાણા, જીરૂ, કપાસ, ચણા અને તુવેર જેવા પાકોનું વાવેતર થયું છે. હાલ આ ખેતી પાકોમાં કોઈ નુકશાન જોવા નથી મળી, પરંતુ વાતાવરણ જો આમને આમ રહ્યું અને માવઠું થશે તો ખેતી પાકોમાં રોગ કે જીવાત આવે અને પાકને કોઈ નુકશાન થવાની સંભાવના રહેલી છે. ગુજરાતમાં આજે વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનો ત્રીજો દિવસ છે. ત્રણ દિવસના વાતાવરણમાં પલટાની આગાહી વચ્ચે આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. તો ડાંગના વઘઈમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો નોંધાયો છે. તો બીજી તરફ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 142 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. વામાનના પલટાની સીધી અસર ખેડૂતો પર પડી છે.