મુંબઇ,તા.૨૫
શું કોવિડ બાદ દેશની નાણાં સિસ્ટમમાં પર્સનલ લોનના કારણે અચાનક તેજી આવી? સરકારી અને ખાનગી બેન્કોએ ઊંચા વ્યાજદરે વધેલી ક્રેડિટની માંગ પૂરી કરવા માટે દિલ ખોલીને પર્સનલ લોન વહેંચી છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી(સીએમઆઇઇ)ના રિપોર્ટમાં જણાવાયું છે કે છેલ્લાં ૪ વર્ષમાં કોમર્શિયલ બેન્કોનું બાકી લેણું ૫૮.૪૭ ટકાથી વધી ૧૦૩.૭૦ લાખ કરોડથી ૧૬૪.૩૪ લાખ કરોડ થઇ ગયું છે. એટલે કે કુલ બાકી લેણું ૬૦.૬૪ લાખ કરોડ રૂપિયા વધ્યું.
આમાં ૫૬ ટકા એટલે કે ૩૩.૯૩ લાખ કરોડ રૂપિયાનો વધારો ફક્ત પર્સનલ લોન અને ક્રેડિટકાર્ડ સેગમેન્ટને કારણે થયો. આ પરથી એ વાત સ્પષ્ટ છે કે આ દરમિયાન આટલી લોન આ સેગમેન્ટમાં જ અપાઇ. આનાથી આ સેગમેન્ટમાં હાલનું બાકી લેણું ૬૯.૮ લાખ કરોડ પહોંચી ગયું, જે ૨૦૧૯- ૨૦માં ૩૫.૮૭ લાખ કરોડ રૂપિયા હતું. આની તુલનાએ એજ્યુકેશન લોનનું કુલ બાકી લેણું ૫૩ હજાર કરોડ રૂપિયા જ વધ્યું.
જાણકારોનું માનીએ તો બેન્કિંગ સેક્ટરનો નફો અને શેરોમાં તેજીનો મોટો શ્રેય આ ત્રણ શ્રેણીઓની લોનને જાય છે. સિક્યોર્ડ પર્સનલ લોનમાં તેનો વ્યાજદર ૧૬ ટકાથી શરૂ થાય છે, જે ક્રેડિટકાર્ડ જેવી અનસિક્યોર્ડ લોનમાં વધીને ૩૦ ટકા સુધી પહોંચી જાય છે. બગડેલી ચાલને સુધારવામાં હાલ ભલે મદદ મળી રહી હોય આગામી સમયમાં મુસીબત સાબિત થઇ શકે છે.
દેના બેન્કના નિવૃત્ત ચેરમેન નરેન્દ્ર એમ. કહે છે કે કોવિડ બાદ માંગ વધી રહી હતી. આવામાં બેન્કોને અહીં કારોબાર વધારવાનો સારો મોકો મળ્યો પણ આનાં જાેખમોને લઇ આરબીઆઇ પણ સતર્ક છે. તેણે પર્સનલ લોન આપવા અને ક્રેડિટકાર્ડની લિમિટ નક્કી કરવાના નિયમો કડક કર્યા છે, જેની અસર પણ હાલમાં દેખાય છે. જ્યાં સુધી જૂનાં લેણાંની વસૂલીનો સવાલ છે તો અર્થવ્યવસ્થા અત્યારે સારી છે. બજારમાં પણ માંગ છે. રોજગારી મળી રહી છે.પરિસ્થિતિ બગડવા કે જીડીપીનું અનુમાન ઘટવા જેવી પરેશાનીઓ ઊભી થઇ શકે છે. એટલા માટે નવી લોન પર કડકાઇ વધારી દેવાઇ છે.
પર્સનલ લોન સારવાર, ઘરના રિનોવેશન, લગ્ન, અભ્યાસ, અને ટીવી, ફ્રિજ ખરીદવા પણ અપાઇ રહી છે. ઘરેલુ જીવનની સાથે દેશની ઇકોનોમી માટે પણ આ લોન ખૂબ જ મહત્ત્વની છે. એવું નથી કે એજ્યુકેશન, મકાન અને ઓટો લોન સેગમેન્ટમાં ક્રેડિટ ગ્રોથ નથી ત્યાં પણ ગ્રોથ છે. જાેકે એટલી વધારે પણ નથી તેનું કારણ છે પર્સનલ લોનની લોકપ્રિયતા અને સરળતાથી ઉપલબ્ધી. વ્યાજદરો પણ વધારે છે પણ લોન લેનારાઓનું માનવું છે કે તેના દર ઘટશે. ઇકોનોમીની ગ્રોથ વધારવા અને ઘટાડવાનાં ઘણાં કારણો છે. સમગ્ર આર્થિક સિસ્ટમમાં કન્ઝ્યુમર ક્રેડિટ નાનો ભાગ છે. પર્સનલ તથા માઇક્રો લોનમાં મોટો હિસ્સો નૉન-બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓનો પણ છે. સરળ શરતો સાથે લોન મળતી હોવાથી લેનારાઓમાં વધારો થયો છે.