ભારતની આઝાદીની લડાઈ ચાલી રહી હતી ત્યારે દેશની બહુમત પ્રજા તદ્દન શાંત હતી. અંગ્રેજાેનું સાશન રહે કે કે હટે તેનાથી આ સુસપ્ત વિશાળ બહુમતને કોઈ ખાસ ફર્ક નહતો પડતો. રોજીરોટીની વેતરણમાં શાંત બહુમત કોઈ ફરિયાદ વગર સેકન્ડ ક્લાસ સીટીઝન તરીકે જીવી રહ્યો હતો. સેકન્ડ ક્લાસ સિટીઝન ગુલામીને પચાવી ચુક્યો હતો. રાજાશાહી ખતમ થયા બાદ અંગ્રેજાેએ આપેલા ઈલ્કાબ ધરાવતા રાય બહાદુરો, ખાન બહાદુરો, સરદાર બહાદુરો અને રાય સાહેબો ફર્સ્ટ ક્લાસ સીટીઝન બની ચુક્યા હતા. આ ફર્સ્ટ ક્લાસ સિટિઝનશીપમાં મોટાભાગની સ્વદેશી જમાત હતી. અંગ્રેજ સરકારની ગુડ બુકમાં રહી સ્વદેશી સાહેબો ફર્સ્ટક્લાસ સિટીઝનશીપની મજા માણતા હતા. ક્રીમી લેયરના લાભ ઉઠાવતા બહાદુરો અને સાહેબોએ મૂંગી બહુમત પ્રજાને સેકન્ડ ક્લાસ સિટીઝન્સ બનાવીને શોષણ કરવામાં જરાય કમી નહોતી રાખી. દેશ સ્વતંત્ર થયો પરંતુ જનમાનસમાં ઘર કરી ગયેલું વીઆઈપી કલ્ચર ક્યારેય ખતમ ન થઇ શક્યું. દેશના નાગરિકો વચ્ચેનો ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસનો ભેદ ખતમ કરવામાં લોકશાહી નબળી રહી છે.
ભારતીય લોકશાહીની ગળથુથીમાં સમાનતા છે. દેશના તમામ નાગરિકોને સામાન હક્ક આપવો ભારતની લોકશાહીનું હાર્દ છે. અહીં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની સત્તા પણ સીમિત રાખવામાં આવી છે. દેશના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલો વ્યક્તિ સરમુખત્યારની જેમ સ્વતંત્ર ર્નિણય લઈને જનતા ઉપર થોપી શકતો નથી. જાેકે જ્યાં સર્વોચ્ચ સત્તાધીશને પણ માર્યાદિત સત્તાઓ અપાઈ છે તેવી આ દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં સેકન્ડ ક્લાસ સીટીઝન તરીકે તિરસ્કૃત થતી બહુમત પ્રજાની હાલત હજી એવી જ છે. આજે પણ તે અંગ્રેજી સાશન જેવી અવસ્થામાં જ જીવે છે. હવે અંગ્રજી ઈલ્કાબ વાળા રાય સાહેબો નથી પરંતુ રાયજાદાઓ છે. સ્વતંત્ર લોકશાહીમાં શાહી ઠાઠ ભોગવતા શહેનશાહો જાહેરમાં વીઆઈપી સવલતો ભોગવે છે. સામાજિક અને ધાર્મિક પંડાલમાં રાયજાદાઓ મનફાવે ત્યાં સુધી ફોટોસેશન કરાવી શકે છે. જયારે સેકન્ડ ક્લાસ સિટીઝન્સ કલાકો સુધી કતારોમાં ઉભા રહી ધક્કાઓ ખાય છે, કચડાય છે, પછડાય છે, અપમાનિત થઈને હડસેલાય છે પણ ઉંહકાર ભરવા તૈયાર નથી. હડધૂત થયેલા સેકન્ડ ક્લાસ સીટીઝનને કોઈ ફરિયાદ નથી કે આક્રોશ નથી. તે ફરીથી લાંબી કતારનો હિસ્સો બનવા ખુશી ખુશી ઉભો થઇ જાય છે. સેકન્ડ ક્લાસ સિટિઝનશીપ એટલી કોઢે પડી ગઈ છે કે જાહેર સમારોહમાં આગલી હરોળની બેઠક ઉપર જઈને બેસવાનો આત્મવિશ્વાસ પણ તેનામાં રહ્યો નથી. આગળની હરોળ ઉપર બિરાજવાનો અબાધિત અધિકાર વીઆઈપી લોકોનો છે તેવું સ્વીકારી પાછળની હરોળમાં તે ચૂપચાપ ગોઠવાઈ જાય છે.
અમેરિકન અર્થશાસ્ત્રી થોમસ સોવેલે એક ટીવી ડીબેટમાં કહ્યું હતું કે જયારે લોકોને ભેદભાવ વાળા વ્યવહારની આદત પડી જાય છે ત્યાર પછી સમાન વ્યવહાર કરવામાં આવે તો લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે. થોમસ સોવેલનો મર્મ જાેઈએ તો સેકન્ડ ક્લાસ સીટીઝન્સને વીઆઈપી કલ્ચર હેઠળ દબાવવાની આદત પડી ગઈ છે. પ્રસિદ્ધિ ધરાવતા લોકો સામાન્ય માણસની ભીડ કરતા વિશેષ છે માટે તેમને ભીડ કરતા સડસડાટ આગળ જતા રહેવાનો હક્ક હોય છે તે બાબત બાયડિફોલ્ટ સ્વીકારી લેવામાં આવી છે. હાલત ત્યાં સુધી બિસ્માર છે કે પોતાના ખર્ચે જાહેર સમારોહનું આયોજન કરતો સેકન્ડ ક્લાસ સીટીઝન પોસ્ટરમાં નેતાનો ફોટો અને નામ ચમકાવ્યા વગર નથી રહી શકતો. વીઆઇપીને આવકારવામાં સેકન્ડ ક્લાસ સીટીઝન પોતાનું ગૌરવ સમજે છે.
ભારતના સુપ્રીમ કોર્ટે નાગરિકો વચ્ચે વીઆઈપી કલ્ચર વચ્ચેનો ભેદ ખતમ કરવા માટે વાહનો ઉપર બિકન લાઈટ અને સાઈરન લગાડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરંતુ વીઆઈપી ક્લચર સેકન્ડ ક્લાસ સિટિઝન્સના લોકમાનસમાં ઘર કરી ગયું છે. તેને બદલવામાં હજુ સફળતા મળી નથી. આ દેશમાં ઘણા વીઆઈપી ક્લચર ખતમ કરવાના વાયદા સાથે ચૂંટણી લડનારને સેકન્ડ ક્લાસ નાગરિકો વોટ આપીને વીઆઈપી બનાવી દીધા છે. દેશનો સેકન્ડ ક્લાસ સીટીઝન જ્યાં સુધી ખુમારીથી વીઆઈપી ક્લચરનો વિરોધ નહીં કરે ત્યાં સુધી સ્વમાન નેવે મૂકી ઠેલા ખાવાથી કે જાહેરમાં હડધૂત થવાથી ખુદને નહીં બચાવી શકે.