આણંદ કોંગ્રેસની આબરું ગૂગલે બચાવી!

આણંદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા રહી રહીને આજે કૃષિ બિલનો વિરોધ કરી રહેલાં ખેડૂતોના સમર્થનમાં રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આણંદ જિલ્લા કોંગ્રેસે પણ ધરણાં પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા હતા. મજાની વાત તો એ બની છે કે, આ દરમિયાન પત્રકારો દ્વારા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારને એમએસપીનો અર્થ અને ફુલફોર્મ પૂછવામાં આવ્યું ત્યારે તેઓ બોખલાઈ ગયાં હતાં. જિલ્લા પ્રમુખને પત્રકારોએ વારંવાર એમએસપીનો અર્થ પૂછ્યો ત્યારે કોંગ્રેસના એક કાર્યકરે આખરે પોતાની પાસે રહેલાં મોબાઇલમાં ગૂગલ સર્ચ કરી એમએસપી (મિનિમમ સેલિંગ પ્રાઇઝ) જણાવતાં કોંગ્રેસ પ્રમુખની આબરું માંડ માંડ બચી હતી! 

જાેકે, આવેદનપત્ર આપવા માટે આણંદ જિલ્લા કોંગ્રેસે ધરણા સ્થળેથી ધારાસભ્ય અને અગ્રણી આગેવાનોની અટકાયત થવા છતાં જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચ્યાં હતાં. વિરોધ કરી રહેલાં ખેડૂત સમર્થનમાં રાષ્ટ્રપતિને ઉદ્દેશીને લખાયેલું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું. ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસે યોજેલાં કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરો દ્વારા કોવિડ નિયમોનો સરેઆમ ભંગ થતો જાેવા મળ્યો હતો. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ધજાગરાં ઉડાડીને નારાબાજીઓ કરી હતી.

બીજી તરફ અમૂલ ડેરી પાસે ધરણાં કાર્યક્રમમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર, પેટલાદના ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ સહિત શહેર અને જિલ્લાના અગ્રણી હોદ્દેદારો અને આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં. આ આંદોલન વેગ ન પકડે તે માટે આણંદ પોલીસ દ્વારા ધરણાં પ્રદર્શન સ્થળેથી જ પેટલાદ ધારાસભ્ય નિરંજન પટેલ અને અન્ય અગ્રણી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution