ખુશખબર.. ગજરીકાકી સાજા થઈ ગયા

એમની ઉંમર લગભગ ૮૦ની આસપાસ..બોખું મોઢું..અને એના પર મીઠું મીઠું સ્મિત..મીઠી બોલી એ એમની વિશેષતા..નામ એમનું ગજરા..પણ અમે ગજરીકાકી કહીએ..

હું બાળપણથી પહેલા ભણવા માટે અને પછી રળવા માટે ..ના સમજાયું? ભાઈ, નોકરી માટે..બે પૈસા કમાવા માટે-વતનથી દૂર વડોદરા રહ્યો..

જ્યારે ઘેર જવાનું થાય ત્યારે એ,'ભાઈ આવી ગયો’ એવો સવાલ ખૂબ પ્રેમથી કરે.. ક્યારેક 'બચુ તું ક્યારે આયવો’ એમ તુંકારે બોલાવે જે ખૂબ મીઠું લાગે.

પછી તો હું મોટો થઈ ગયો એટલે એટલો જ પ્રેમ શબ્દોમાં ભરીને આદરથી બોલાવે..

મારું લગન થયું. અને અમારા એ ગૌર વર્ણના,ના બૌ ઊંચા કે ના બૌ ઠીંગણા એવા કાકીને મારા પત્ની રેખા પણ બૌ ગમી ગયા. એટલે એમની સાથે અઢળક મીઠાશથી વાતો કરે..ખબર અંતર પૂછે..દીકરા અર્પિત અને દીકરી રુચાને પંડના સંતાન જેવું વહાલ કરે..

એમનું ઘર ત્યારે કાચુ પાકું...થોડુંક ઝૂંપડી જેવું..પણ દીવાલોવાળું...પતરા માટે દીવાલોવાળી છત..ઘરની પાછળ મોટો વાડો.. રામફળી,જામફળી, લિંબુડી જેવા જાતજાતના વૃક્ષો..શીતળ છાયડો.. એ વાડામાં નાના હતા ત્યારે અમે રમ્યા..પછી મારા સંતાનો રમ્યા અને હવે કદાચ આવશે ત્યારે મારા સંતાનોના સંતાન પણ રમશે..નસીબ હોય એને જ ગામડાની માટી ખૂંદવા મળે..

એકવીસમી સદીમાં પરિવારો મોટેભાગે બોલીને નહીં, લખીને વાતો કરે ..વોટ્‌સએપ ગ્રુપમાં સંવાદ કરે...

એટલે ભાઈએ ખબર મૂક્યા કે ગજરીકાકી ખૂબ માંદા પડી ગયા છે અને એ ઝાઝા દિવસો કાઢે એવું લાગતું નથી...રેખાજીને ખાસ યાદ કરે છે..

એટલે રેખાબેનને ચિંતા થઈ. મળવા જવાનું મન થયું. મને કીધું પણ ખરું કે એક દિવસ ટાઇમ કાઢીને વતનના ગામ જઈ આવીએ અને એમને મળી આવીએ..

    અમે ક્યારે જઇએ એવો વિચાર કરતા હતા ત્યાં ભાઈએ ફરીથી ખબર મૂક્યા કે ગરમી ઘટતા હવે ગજરીકાકીની તબિયત સારી એવી સુધરી છે, ચિંતાનું કોઈ કારણ નથી..એમનો વર્તમાન પ્રથા પ્રમાણે વિડિયો પણ મૂક્યો..એવું ને કે આ સમયમાં લખાણ નહિ વિડિયો સાચો મનાય છે!

મને, રેખાબેનને અને દૂર દૂર રહેતા અમારા કુટુંબીજનોને ‘હાશ!’ થઈ..

આ બધું વાંચી તમે અંદાજ બાંધ્યો હશે કે ગજરીકાકી સાથે અમારા પરિવારને લોહીની સગાઈ હશે. ના, કોઈ લોહીની સગાઈ નથી. પરંતુ ત્રણ પેઢીનું અતૂટ સગપણ છે. તેઓ અને તેમના જેઠાણી સોમીકાકી અમારે ત્યાં ઘરકામ કરતા. અમારે એમની સાથે લોહીની સગાઈ કરતા પણ મજબૂત મન મળ્યાની સગાઈ છે..એમને અમારું ખૂબ લાગે અને અમને એમની ચિંતા રહે..એટલે જ કવિએ કહ્યું છે કે,' સબસે ઊંચી પ્રેમ સગાઈ.’

લોહીની સગાઈ વગરના સગપણ એ ગામડાની ધરતીની વિશિષ્ઠ સોડમ. મારા ગામ કવાંટમાં આવી સગાઈ હજુ જળવાઈ છે. એની એટલી તાકાત છે કે ૯૦ વર્ષની ઉંમરના મારા પિતાજી એકલા મોજથી ગામડે રહી શકે છે. અમારું ફળિયું સોની ફળિયું. એમાં મુખ્યત્વે સોની અને પંચોલીઓના ઘરો. અમે બ્રાહ્મણ અને સોમી-ગજરીકાકીનો પરિવાર તડવી જ્ઞાતિનો. જેનો સમાવેશ લોહીની સગાઈ વગરના સગપણ એ ગામડાની ધરતીની વિશિષ્ઠ સોડમ. મારા ગામ કવાંટમાં આવી સગાઈ હજુ જળવાઈ છે. એની એટલી તાકાત છે કે ૯૦ વર્ષની ઉંમરના મારા પિતાજી એકલા મોજથી ગામડે રહી શકે છે. અમારું ફળિયું સોની ફળિયું. એમાં મુખ્યત્વે સોની અને પંચોલીઓના ઘરો. અમે બ્રાહ્મણ અને સોમી-ગજરીકાકીનો પરિવાર તડવી જ્ઞાતિનો. જેનો સમાવેશ આદિવાસી સરકારી ભાષામાં અનુસૂચિત જનજાતિમાં થાય છે. ફળિયાના બધા રહીશો સાથે એમની આત્મીયતા અને બધાને એમના પ્રત્યે, એકબીજા પ્રત્યે લગાવ. સુખમાં અને દુઃખમાં, બધા એકબીજા માટે દોડે, થાય એટલું કરી છૂટે. વળી,અમારા ઘરની આસપાસના વિસ્તારને નોકરિયાત વગો કહી શકો.કારણ કે કવાંટમાં શિક્ષક,તલાટી,નર્સ જેવી કોઈ નોકરી મળે એ અગાઉના સમયમાં આ જગ્યાએ જ ભાડે ઘર લેતા. એ રીતે અહીં બે ત્રણ વર્ષ રહી ગયા હોય એવા પરિવારો સાથે ફળિયાના લોકોના પરસ્પર સંબંધો આજે પણ સચવાયેલા છે..આ જ તો છે ગામડાની ધરતીની સુગંધ. સમય સાથે ઉમળકામાં કદાચ ઓટ આવી હશે..પરંતુ લાગણીઓ હજુ લીલી છે.

ગજરીકાકી સાજા થઈ ગયાની ખુશી અમારા આખા પરિવારને થઈ..અમારા આખા ફળિયાને થઈ..અને આ લોહીના સંબંધ વગર..લોહીના સંબંધથી પણ અતૂટ લાગણીની વાર્તા વાંચીને તમને પણ અવશ્ય થઈ જ હશે...

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution