જગતના તાત માટે સારા સમાચાર,આ તારીખે શરૂ થશે સત્તાવાર ચોમાસું 

ગાંધીનગર

જગતના તાત માટે સારા સમાચાર છે. ભારતીય મોસમ વિભાગે સતાવાર ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. કેરળમાં 31 મેથી ચોમાસાની શરૂઆત થવાનું અનુમાન છે, પરંતુ પૂર્વાનુમાન તારીખ કરતા 4 દિવસ આગળ પાછળ થઈ શકે છે. જોકે ચોમાસાની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. અંદમાન સમુદ્રમાં સાનુકૂળ પરિસ્થિતિ બની રહી છે. 22 મેના અંદમાન સમુદ્રમાં ચોમાસાની શરૂઆત થયા બાદ આગળ વધશે અને 31મેના કેરળ પહોંચવાનું પુર્વાનુમાન છે.

દરેક ઋતુની શરૂઆત પહેલા મોસમ વિભાગ દ્વારા પૂર્વાનુમાન લગાવવામાં આવતી હોય છે. ઋતુ કેવી રહેશે? ઉનાળોમાં તાપમાન કેટલું રહશે? વરસાદ કેટલો થશે અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે? તેનું પૂર્વાનુમાન જાહેર કરતા હોય છે.

આ સાથે જ ચિંતાજનક સમાચાર એ છે કે, કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે. મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલુ લો પ્રેશર આવતીકાલે એટલે કે રવિવારે વાવાઝોડામાં તબદીલ થઇ શકે છે, ત્યારે 21 વર્ષ પછી મે મહિનામાં ગુજરાતના દરિયાકિનારા સુધી પહોંચનારુ આ પ્રથમ વાવાઝોડું હશે. છેલ્લે 2001ના મે મહિનામાં ગુજરાતના દરિયાકિનારે ARB O1 વાવાઝોડું પહોંચ્યું હતું.

એક પૂર્વાનુમાન પ્રમાણે, દક્ષિણ પૂર્વ અરબ સાગર અને લક્ષદ્વીપ વિસ્તારમાં સર્જાયેલું આ લો પ્રેશર ટૂંક સમયમાં ડીપ ડીપ્રેશનમાં તબદીલ થઇ જશે અને આવતીકાલ સુધીમાં વાવાઝોડાનું સ્વરૂપ લઇ લેશે. માનવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું અત્યંત ગંભીર રૂપ ધારણ કરી શકે છે અને 118-165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઇ શકે છે. વાવાઝોડા દરમિયાન ઝડપી પવનો સાથે ભારે વરસાદથી એક મોટા ક્ષેત્રમાં મોટું નુકસાન પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આ વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ ગુજરાત અને પાકિસ્તાની તટો તરફ વધવાની સંભાવના છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution