સનાતની સંસ્કૃતિની આ સમૃદ્ધિ છે. તે બધાના “શુભ”ની આકાંક્ષા રાખે છે. સનાતની સંસ્કૃતિની એ પરંપરા છે કે તે સમગ્ર માનવજાત માટે ચિંતિત રહે છે, કાર્યરત રહે છે. આ સંસ્કૃતિમાં બધાને સાથે રાખીને, બધાની સાથે આગળ વધવાની વાત છે. સનાતની સંસ્કૃતિમાં જાે “હું બ્રહ્મ છું” તો “તમે પણ તે બ્રહ્મ જ છો”નો ભાવ પ્રવર્તમાન હોય છે. જ્યાં બધા જ બ્રહ્મસ્વરૂપ હોય ત્યાં કોઈ અન્યથી ચડિયાતું ન હોઈ શકે. સનાતનની સંસ્કૃતિમાં અન્યને હીનતાથી જાેવાની, અન્યથી આગળ વધી જવાની, અન્ય કરતા શ્રેષ્ઠતા સ્થાપિત કરવાની વાત જ ન હોય. અહીં બધા સમાનતાથી પોતાના ઉત્કર્ષ માટે પ્રયત્ન કરી શકે છે. આ સમાનતાની ભાવનાને કારણે કોઈપણ પ્રકારનું વિઘ્ન કોઈને પણ આવવાની સંભાવના ન હોય, પરિણામે બધાનો ઉત્કર્ષ, બધાનું શુભ શક્ય બને.
પોતાનું ભલું થવાથી અન્યનું ભલું થાય અને અન્યનું ભલું થવાથી પોતાનું ભલું થાય, એ વિચારધારા પણ સનાતની સંસ્કૃતિનો એક મહત્વનો આધાર છે. સંસારમાં દરેક બાબત અન્ય બાબત સાથે સંકળાયેલી છે. અહીંનું દરેક તત્વ અન્ય તત્વ સાથે કાર્યરત રહે છે, જેને કારણે ચોક્કસ પરિણામ ઉદ્ભવે છે. સૃષ્ટિ, એ બધાના સમન્વયનું પરિણામ છે. અહીં કશાનું પણ અલગ અસ્તિત્વ સંભવ જ નથી. સૃષ્ટિના જડ તત્વો વચ્ચે પણ પરસ્પરનું અવલંબન છે, સૃષ્ટિના જીવંત તત્વો પણ એકબીજાને સહારે છે અને આ જડ અને જીવંત તત્વ વચ્ચેનો વ્યવહાર પણ સુસંવાદિત અને લયબદ્ધ છે. અહીંનું પ્રત્યેક અસ્તિત્વ અન્ય અસ્તિત્વને કારણે ટકી રહે છે. અહીંનું પ્રત્યેક અસ્તિત્વ અન્યને આધારે છે. અહીંનું પ્રત્યેક અસ્તિત્વ સંકલિત, સંલગ્ન તેમજ સમાવેશીય છે. અહીં એકનું અશુભ થતાં તે “અશુભતા”ની અસર અન્યને થાય અને એકનું શુભ થતાં “શુભતા” પણ ચારે તરફ પ્રસરે.
કોઈપણ વ્યક્તિ દુઃખી હોય, તેની જિંદગીમાં “અશુભ”નું પ્રભુત્વ હોય તો તેની કોઈક નકારાત્મક અસર અન્યના જીવન પર પડે. વાડીમાં એક વૃક્ષ પર જીવાત લાગી હોય તો અન્ય વૃક્ષને પણ તેની અસર થાય. જાે બધા જ વૃક્ષ તંદુરસ્ત હોય તો જ સમગ્ર વાડીની તંદુરસ્તી જળવાઈ રહે. જેમ વાડીમાં દરેક વૃક્ષની તંદુરસ્તી જરૂરી છે તેમ સમાજમાં દરેક વ્યક્તિ માટે “શુભતા” જરૂરી છે. જેમ અશુભની અસર પ્રસરે તેમ શુભની અસર પણ અન્ય પર પડે. એક ખુશખુશાલ વ્યક્તિ અન્યને ખુશ કરી શકે. એક જ્ઞાની વ્યક્તિ જ્ઞાનના પ્રકાશથી અન્યના અસ્તિત્વને પણ પ્રકાશિત - પ્રભાવિત કરી શકે. એક વ્યક્તિની હકારાત્મકતા બધા માટે ફાયદાકારક બની રહે અને એક વ્યક્તિની નકારાત્મકતા ઘણાને નુકસાન કરી શકે. બધા હકારાત્મક હોય તે જરૂરી છે. બધાના ભલા માટે બધા માટે શુભતા હોય તે જરૂરી છે.
શુભની વ્યાખ્યા બાંધવી પણ જરૂરી છે. અહીં એમ નથી કહેવાતું સકળ વિશ્વમાં બધા ધનિક બનો. ધનિક બનવાની પ્રક્રિયામાં પરસ્પર સ્પર્ધા જાગી શકે. ધનિક બનવાની ઈચ્છા પાછળ ક્યાંક અનૈતિકતા પણ જાેડાઈ જાય. અહીં જર - જમીન - જાેરુની વાત નથી. તેનાથી તો કલહ જાગે, કંકાસ થાય, મહાયુદ્ધ પણ થઈ જાય. આમ પણ ભૌતિક સંપત્તિ અને શુભતા, એકીસાથે ક્યારેય રહી ન શકે. શુભ એટલે એવી બાબત કે જે ધાર્મિક, નૈતિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ શુદ્ધ હોય. કોઈપણ શુભ બાબત અન્યનું અશુભ ન કરી શકે. કઠ ઉપનિષદની ભાષામાં કહીએ તો શુભ એટલે શ્રેય. શુભ સાથે કામ, ક્રોધ કે લોભ ક્યારે જાેડાઈ ન શકે. શુભ એટલે એવી ઘટના કે જે સૃષ્ટિના નિયમો સાથે ઘર્ષણ ઊભું ન કરે. શુભ એટલે મન, બુદ્ધિ, ચિત તથા અહંકારને શાંત કરી શકે તેવી ઘટના. શુભતા ઈશ્વરને પણ પસંદ હોય.
ધર્મની સ્થાપના માટે ક્યારેક કોઈકના અશુભની ઈચ્છા પણ કરવી પડે. ધર્મની સ્થાપના માટે દુર્યોધનનું અશુભ થાય તે જરૂરી હતું. સમજવાની વાત એ છે કે દુર્યોધનની આવી દેખીતી અશુભતા પાછળ પણ તેની સંભવિત શુભતા છુપાયેલી હતી. હવે દુર્યોધન આગળના પાપ આચરી નહીં શકે. હવે દુર્યોધન વધારાનું કપટ નહીં કરી શકે. હવે તે અનીતિપૂર્વક અન્યના રાજ્ય પર રાજ નહીં ચલાવી શકે. આમ તેના પાપ કર્મો ઘટતાં સમયાંતરે તેનું શુભ થવાની સંભાવના વધી જાય. વળી, સમગ્રતામાં જાેઈએ તો દુર્યોધન માટેની અશુભતા સમગ્ર સમાજ માટે શુભતા સમાન હતી. મહાભારતના યુદ્ધને કારણે સમાજમાં ધર્મની સ્થાપના સંભવ બની અને સમાજમાં સાત્વિક પ્રગતિ શક્ય બની. આનો લાભ દુર્યોધનના “રહી ગયેલા” સગા સંબંધીઓને પણ મળ્યો હશે. દુર્યોધન આ બધાનું હકિકતમાં શુભ ઇચ્છતો હશે અને ધર્મની સ્થાપનાથી તેમનું શુભ થયું હોય. અંતે તો ધર્મની સ્થાપનાથી “શુભતા”નો જે વ્યાપ વધ્યો તેનો ફાયદો પરોક્ષ રીતે દુર્યોધનને પણ થયો. આવા સંજાેગોમાં પણ અંતે તો સકળ વિશ્વનું શુભ થાય છે.
હજારો વર્ષના ઋષિમુનિઓના મંથન બાદ સ્થપાયેલી સનાતની સંસ્કૃતિ વિશ્વ માટે પ્રેરણા છે, ઉદાહરણ છે, માર્ગદર્શક છે. સમયાંતરે પરિપક્વ બનેલી આ સંસ્કૃતિના સિદ્ધાંતોને જાે વિશ્વભરમાં અનુસરવામાં આવે તો પ્રત્યેક માનવી માટે હકારાત્મક પરિસ્થિતિ ઊભી થઈ શકે. ગીતા-વેદ-પુરાણને આધારે સનાતનની સંસ્કૃતિની કોઈપણ વ્યક્તિ અન્યને પ્રતિસ્પર્ધી તરીકે નથી જાેતું, અહીં બધા સહપ્રવાસી છે. અહીં કોઈ અન્યને વિરોધી તરીકે નથી જાેતું, અહીં બધામાં એક જ તત્વ સનાતન સ્વરૂપે સ્થિત છે તેમ માનવામાં આવે છે જેથી વિરોધની કોઈ સંભાવના જ ન રહે. આ સમાવેશીય સંસ્કૃતિ છે. આ સમગ્રતામાં વિચારનાર માનવ સમુદાય છે. આ એકતામાં માનનાર પરિવાર છે. સનાતનની સંસ્કૃતિ વિશ્વ માટે આશા છે.