ગોંડલ-
સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક શહેરોમાં હવાલા કબાલા કરનાર અને હાલ ગુજસીટોક કાયદા હેઠળ ધરપકડ થયેલા નિખિલ દોંગા ગેંગ માટે ગોંડલની સબજેલને "જલસા જેલ" બનાવવાના ગુનામાં છેલ્લા એક માસથી નાસતા-ફરતા જેલર ડી.કે પરમારની ગોંડલ સિટી પોલીસે શહેરમાંથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી.
નિખિલ દોંગા અને તેના ૧૨ થી વધુ સાગરીતો ઉપર પોલીસ તંત્રએ ગુજસીટોક હેઠળ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલા સબજેલને નિખિલ દોંગા ગેંગ માટે જલસા જેલ બનાવનાર જેલર ડી કે પરમારનું નામ સામે આવ્યું છે. નામ બહાર આવતાં પકડાઈ જવાના ડરથી જેલર નો દો ગ્યારા થઈ ગયા હતાં. ગોંડલ ઘટનાની તપાસ ચલાવી રહેલા પીઆઈએસ એમ.જાડેજા, પીએસઆઇ બીએલ ઝાલા, હેડ કોન્સ્ટેબલ ઘનુભા જાડેજા સહિતનાઓએ જેલરને પકડી પાડવા કમર કસી હોય તેમ બુધવારે જેલર ગોંડલમાં હોવાની જાણ થતા જ તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. રિમાન્ડની માંગ સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ગોંડલ સબજેલના જેલર ડી કે પરમાર પર આરોપીઓને જેલમાં સુવિધા પુરી પાડવાના આક્ષેપ લગાવવામાં આવ્યાં હતાં. જે મુદ્દે પોલીસે તેની ધરપકડ કરી છે.