સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા કરાઇ

ન્યૂયોર્ક

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસના મુખ્ય આરોપી ગોલ્ડી બ્રારની હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેનું શૂટિંગ અમેરિકામાં થયું છે. ગોલ્ડીની હત્યાની જવાબદારી ડલ્લા-લખબીર ગેંગે લીધી છે.

ગોલ્ડી બ્રારનું અસલી નામ સતિદંરજીત સિંહ છે.પંજાબના મુક્તસર સાહિબ જિલ્લામાં ૧૯૯૪માં જન્મ થયો હતો. ગોલ્ડી બ્રારના પિતા પંજાબ પોલીસમાંથી રિટાયર્ડ સબ ઈન્સ્પેક્ટર છે. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ તેનું નામ મીડિયામાં ચર્ચામાં રહ્યું છે. જાે કે આ પહેલા પણ તેણે અનેક ગુના આચર્યા હતા. ચંદીગઢમાં પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રારની હત્યા બાદ ગોલ્ડી બ્રારે ગુનાની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પંજાબ યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા ગુરલાલ બ્રારની ૧૧ ઓક્ટોબર ૨૦૨૦ની રાત્રે ચંદીગઢના ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-૧ સ્થિત ક્લબની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોલ્ડી બ્રારના પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રાર લોરેન્સ બિશ્નોઈના સૌથી નજીક હતા.

ગુરલાલ બ્રારની હત્યા બાદ લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હવે નવું યુદ્ધ શરૂ થયું છે, રસ્તાઓ પર લોહી સુકાશે નહીં. દરમિયાન ગોલ્ડી બ્રાર સ્ટડી વિઝા પર કેનેડા ભણવા ગયો હતો. પરંતુ ગુરલાલની હત્યા બાદ તે જરામની દુનિયામાં ડૂબી ગયો. ગોલ્ડીએ કેનેડાથી હત્યાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું અને તેના સાગરિતો દ્વારા ઘણી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો. આમાંની એક ઘટના ગુરલાલ સિંહની હત્યા હતી. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ પંજાબના ફરીદકોટમાં જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ ગુરલાલ સિંહની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોલ્ડી બ્રારે પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા યુથ કોંગ્રેસના નેતાની હત્યા કરી હતી. ૨૯ મે ૨૦૨૨ના રોજ પંજાબના માનસા જિલ્લાના જવાહરકે ગામ પાસે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રારે લીધી હતી.

ગોલ્ડીએ હત્યાનું કારણ પણ જણાવ્યું. ગોલ્ડીના જણાવ્યા અનુસાર, મોહાલીના મિદુખેડાની હત્યામાં સામેલ લોકોને મૂસેવાલાના મેનેજર દ્વારા આશ્રય આપવામાં આવ્યો હતો. બાદમાં મૂસેવાલાએ તેના મેનેજરને મદદ કરી. આ દુશ્મનાવટના કારણે લોરેન્સ ગેંગે મૂસેવાલાની હત્યા કરી હતી. પંજાબના મુક્તસર જિલ્લાના મલોતમાં રણજીત સિંહ ઉર્ફે રાણા સિદ્ધુની હત્યામાં પણ ગોલ્ડી બ્રાર સામેલ હતો. હત્યાથી શરૂ થયેલ ગુનાઓનો આ સિલસિલો હજુ પણ ચાલુ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution