ગોલ્ડા માયરનો ભય બાયડનમાં સાચો પડે છે

ઈટાલિયન મહિલા પત્રકાર ઓરિઆના ફેલેચીએ વિશ્વના ૧૪ સશક્ત નેતાઓના ઇન્ટરવ્યુ લીધા. જેને પુસ્તક રૂપે પ્રકાશિત કર્યા. વર્ષ ૧૯૭૬માં પ્રસિધ્ધ થયેલુ ઓરિઆના ફેલેચીના પુસ્તક ‘ઇન્ટરવ્યુ વીથ હિસ્ટ્રી’ બેસ્ટ સેલર રહ્યું હતું. ઇન્ટરવ્યૂ વીથ હિસ્ટ્રીમાં ઓરીયાનાએ ઈઝરાઈલના તે વખતના મહિલા વડાપ્રધાન ગોલ્ડા માયરનો ઇન્ટરવ્યુ લીધો હતો. ફેલેચીએ આયર્ન લેડી ગોલ્ડા માયરને પ્રશ્ન કર્યો કે ‘તમે મૃત્યુને કઈ રીતે જુવો છો....?’

ગોલ્ડા માયરનો જવાબ હતો કે “મને મૃત્યુનો નહીં, બહુ લાબું જીવી જવાનો ડર સતાવે છે. શરીર ઘરડું થાય જેમાં શરીરિક નબળાઈ આવે તેની ચિંતા નથી.પરંતુ અધિક જીવવાથી માનસિક રીતે આવી જતી શિથિલતાનો મને ડર છે. હું નાની ઉંમરે મૃત્યુ પામેલા લોકોને જાેઉં ત્યારે બહુ દુઃખ થાય છે. બીજી તરફ જરૂરત કરતા લાંબુ જીવી જનારા લોકો માટે પણ મને એટલું જ દુઃખ થાય છે. કારણ એ છે કે બુઢાપામાં દિમાગ સ્ફુર્તિલું રહેતું નથી. તેને કારણે થતું અપમાન સૌથી દુઃખદ હોય છે. મૃત્યુ આવે ત્યારે હું ચુસ્ત - તંદુરસ્ત દિમાગ સાથે મરવા માંગુ છું.”

સોળમી સદીના કવિ ફ્રાન્સિસ સાબીએ તેમની કવિતામાં સિનાઈલ શબ્દનો ઉપયોગ કર્યો. વર્ષ ૧૫૯૫માં લખાયેલી અંગ્રેજી કવિતામાં સૌથી પહેલી વાત સીનાઈલ શબ્દનો ઉપયોગ કરાયો. ઉંમરને કારણે ક્ષીણ થતી કુશાગ્રતા માટે કવિ ફ્રાન્સીસે સીનાઈલ શબ્દ જગતને આપ્યો. અમેરિકન પ્રમુખ જાે બાઈડન ૮૧ વર્ષની ઉંમરે રાજકારણમાં સક્રિય છે. તે હજુ એક વખત અમેરિકાના પ્રમુખ થવા મેદાનમાં છે. બાઈડનમાં ૮૧ વર્ષની ઉંમરે બીજી વાર સત્તા મેળવવાનો અનુરાગ જીવંત છે. રાજકારણીઓમાં છેલ્લા શ્વાસ સુધી સત્તા ઉપર રહેવાની મમત છૂટતી નથી.

રાજકારણમાંથી નિવૃત થવાની કોઈ ઉંમર નથી. પરંતુ બાઇડેનને હવે સિનાઈલની અસર વર્તાઈ રહી છે. લાંબા સમય સક્રિય રહી એક મકામ ઉપર પહોંચ્યા પછી સિનાઈલને કારણે થતી સીલી મિસ્ટેક્સ ક્ષોભજનક સ્થિતિ સર્જે છે. માણસની અંદર બુદ્ધિ અને ઇગ્નોરન્સ વચ્ચે સતત સ્પર્ધા ચાલતી રહે છે. એક વ્યક્તિમાં મોજુદ બંને તત્વો વચ્ચેની આ આંતરિક સ્પર્ધા હોય છે. બુદ્ધિ અગ્રેસર થવા માંગે છે, અજ્ઞાન તેનો માર્ગ અવરોધવા તૈયાર હોય છે. સફળ થનાર વ્યક્તિએ બુદ્ધિ અને અજ્ઞાન વચ્ચેનો માર્ગ કાઢેલો હોય છે. જગતે જેને એક મજબુત પ્રભાવી વ્યક્તિ તરીકે ઓળખતું હોય છે તેમને સિનાઈલને કારણે ક્ષીણ થતી કુશાગ્રતા અકળાવતી હોય છે. ઇન્ટરવ્યૂ વિથ હિસ્ટ્રીમાં ગોલ્ડા માયરે તે વિષે વાત કરી હતી.

ગોલ્ડા માયરે જેનો ભય વ્યક્ત કર્યો હતો તેની અસર જૉ બાઈડનમાં જાેવા મળી રહી છે. બાઈડનને સીનાઈલની અસરને કારણે જાહેરમાં ભોંઠા પાડવાના બનાવ બની રહ્યા છે. અમેરિકાનો સામે જાહેર વ્યક્તવ્યમાં બાઇડેન ભૂલો કરી રહ્યા છે. તે અન્ય દેશના નેતાઓનો પરિચય આપવામાં થાપ ખાઈ રહ્યા છે. સાથે પોતાના દેશના જ મહિલા ઉપપ્રમુખનો પરિચય જૉ બાઈડન ખોટી રીતે આપી દયાનું પાત્ર બન્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા હરીફ ઉમેદવાર સામે હોય જે કોઈની સાડાબારી રાખ્યા વગર બોલતા હોય ત્યાં આવી સિનાઇલની અસરનો વધુ ફાયદો ઉઠાવાય છે.

દરેક પ્રોફેશનમાં સિનાઈલ આવવાની ઉટમર અલગ અલગ માનવામાં આવે છે. મોહમ્મદ કૈફે ક્રિકેટરોના સિનાઈલ વિષે તાજેતરમાં કહ્યું હતું. ઇન્ટરનેશનલ ટી-૨૦ ફોરમેટમાંથી હાલમાં રવિન્દ્ર, રોહીત, વિરાટ ત્રણેએ નિવૃત્તિ જાહેર કરી. ત્યારે કોમેન્ટરી બોક્સમાં બેઠેલા પૂર્વ ક્રિકેટરો વચ્ચે ચર્ચા થઇ કે વિરાટ શારીરિક રીતે ફીટ છે. તે હજુ આવા ફોર્મેટમાં રમી શકે છે તેમ છે. ત્યારે મોહમ્મદ કૈફે કારણ જણાવ્યું હતું કે “પાંત્રીસી વટાવ્યા પછી ક્રિકેટરનો રિએક્શન ટાઈમ ઘટી જાય છે. બોલર દ્વારા ફેંકાતા બોલને ફટકારવા માટે જે ટાઇમીંગ જાેઈતો હોય છે તેના રિએક્શન ટાઈમમાં ફરક આવી જાય છે. જેને કારણે ક્રિકેટર ત્રીસીમાં આવે પછી તેની નિવૃત્તિની ચર્ચા થતી હોય છે.”

અમેરિકન કોમેડીયન જ્યોર્જ બનર્સે કહ્યું હતું કે “હું યુવાન હતો ત્યારે મારા બેફીકરા હોવાને કઠોરતા માનવામાં આવતી. હું આધેડ થયો ત્યારે તેને મારો તરંગી સ્વભાવ માનવામાં આવતો. હવે વૃધ્ધ થયો છું ત્યારે લોકો તેને મારી ઉંમરની અસરને કારણે સીનાઈલ માને છે.”

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution