તંંત્રીલેખ |
દક્ષિણ એશિયા છેલ્લા ૧૨૨ વર્ષમાં તેના સૌથી વધુ તાપમાનનો અનુભવ કરી રહ્યું છે. પાકિસ્તાન અને ભારતમાં ઓછામાં ઓછા ૯૦ લોકો ગરમીથી મૃત્યુ પામ્યાં છે. ચીનમાં ગરમીએ લાંબા સમયના રેકોર્ડ તોડ્યા છે. અતિશય ગરમીનું મૂળ કારણ આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ છે. હીટવેવથી આરોગ્ય, કૃષિ, ઉર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત વિવિધ ક્ષેત્રોમાં ગંભીર નુકસાન થાય છે. ભારતમાં ૨૦૧૦થી અત્યાર સુધીમાં ૬૫૦૦થી વધુ લોકો ગરમીથી મૃત્યુ પામ્યાં છે. ગરમીના મોજાઓ અન્ય કુદરતી આફતો જેમ કે દુષ્કાળ અને જંગલની આગને પણ ઉત્તેજિત કરી શકે છે, જેના પરિણામે પાક અને પશુધનને નુકસાન થાય છે. ગરમીના કારણે ઉર્જાનો વપરાશ આસમાને પહોંચે છે.એર કન્ડીશનીંગનો સતત ઉપયોગ કરવામાં આવે છે, જે ઘણી જગ્યાએ વિજળીની અછત તરફ દોરી જાય છે. દક્ષિણ એશિયામાં વીજળી ઉત્પાદન માટેના સંશાધનોમાં કોલસા મુખ્ય છે. તેના આધારે વીજ ઉત્પાદનની ઘણી મર્યાદાઓ છે.ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વધારો થવાથી લાંબા ગાળે આબોહવા પરિવર્તનની અસરો વધુ ઘેરી બને છે,અને ગરમીમાં વધારો થતો રહે છે.
હીટવેવને કુદરતી ઘટના તરીકે રોકવું શક્ય નથી, કારણ કે તે વ્યાપક હવામાન પરિવર્તન અને આબોહવાની પેટર્નનો ભાગ છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગના મૂળ કારણને સમજીને દુર કરવા દ્વારા તેની તીવ્રતા ઓછી કરવી શક્ય છે. આ માટે લાંબા ગાળાનું આયોજન કરવું જાેઈએ. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના ઉપાયો કરવા જરૂરી છે. ઉપરાંત સ્વચ્છ ઉર્જાના સંશાધનોનો વિકાસ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કુદરતી સંશાધનોનું વધુ બહેતર સંચાલન, પ્લાસ્ટિક અને પ્રદૂષણ નિયંત્રણ વગેરે ઘણા પગલાં લેવા હવે અનિવાર્ય બની ગયા છે.
વાહનો, પાવર પ્લાન્ટ્સ અને અન્ય સ્ત્રોતોમાંથી ઉત્સર્જન ઘટાડવા માટે પ્રયાસો કરવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગ ઓછું થઈ શકે છે. ઉપરાંત હાલમાં કોલસાનો વીજ ઉત્પાદન માટે મહત્તમ ઉપયોગ થાય છે તેના સ્થાને સૌર,પવન અને જળવિદ્યુત શક્તિ જેવા નવા ઉર્જા સ્ત્રોતો તરફ વળવાથી કોલસા પરનું અવલંબન ઓછું થઈ શકે છે, જે ગ્લોબલ વોર્મિંગ વધતું અટકાવવામાં મદદરૂપ બની શકે છે. ગ્રામિણ વિસ્તાર કરતાં શહેરી વિસ્તારમાં હીટવેવ વધારે હોય છે. શહેરી વિસ્તારોમાં વધુ વૃક્ષો વાવી વધુને વધુ હરિયાળા વાતાવરણનું નિર્માણ કરવાથી ગરમી ઘટી શકે છે. પરંતુ કમનસીબ બાબત એ છે કે દક્ષિણ એશિયાના દેશોની સરકારો વિકાસશીલ દેશમાંથી વિકસિત દેશ બનાવવા માટે શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણમાં વિચારહિન રીતે આગળ વધે છે અને પર્યાવરણલક્ષી કાળજી રાખવાનું સદંતર ટાળે છે.
રહેણાંક વિસ્તારો અને ઉદ્યોગોની ઊર્જા કાર્યક્ષમતામાં સુધારો કરવાથી એકંદરે કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય છે. ઉર્જા વપરાશ ઓછો થાય છતાં અપેક્ષિત પરિણામ મળે તેવી ટેકનિકોનો વ્યાપક ઉપયોગ થવો જાેઈએ.આ ઉપરાંત જંગલોની જાળવણી અને પુનઃ વનીકરણ વધારીને વાતાવરણને નિયંત્રિત કરી શકાય છે. આ લાંબા ગાળાની વ્યૂહરચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને અને સ્વસ્થ અને સ્વચ્છ વિકાસને પ્રોત્સાહન આપીને પૃથ્વીને અને પર્યાવરણને બચાવવા માટે નક્કર આયોજન કરવું અનિવાર્ય છે. માનવજાતિએ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ કર્યો તે વિકાસ સંતુલિત રીતે નથી થયો. વિકાસની સાથે તેની આડપેદાશ રૂપે પર્યાવરણના થતાં નુકસાનને અટકાવવા માટે કોઈ વિચારણા કરાઈ નહીં, અથવા તો વિચારણા થઈ હોય તો તેનો અમલ થયો નહીં. આ કારણે પર્યાવરણને હવે એ હદે નુકસાન પહોંચી ચુક્યું છે કે વર્તમાન સદીમાં જાે આ સમસ્યાનો ઉકેલ આવે નહીં તો પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ જાેખમાઈ જશે.