આણંદ, તા.૩
શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળની કારોબારી સભા ૨૬મી જૂને ચારુસેટ કેમ્પસમાં કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઇ એમ. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ કારોબારીમાં મૂળ ચકલાસીના અને અગ્રણી એનઆરઆઇ દાતા રમણભાઈ શનાભાઇ પટેલ દ્વારા ચારુસેટ હોસ્પિટલને રૂપિયા એક કરોડનું સંકલ્પ દાન જાહેર કરવામાં આવ્યું હતું.
આ સંકલ્પ દાન વિશે માહિતી આપતાં માતૃસંસ્થા-કેળવણી મંડળના માનદ મંત્રી ડો.એમ.સી. પટેલે જણાવ્યું હતું કે, સંસ્થાને એક કરોડથી વધુ દાન આપનાર ૪૦થી વધુ દાતાઓ છે. હવે પછીથી આ દાન ભાસ્કર એવોર્ડ ક્લબમાં રમણભાઈ શનાભાઇ પટેલનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સંસ્થા વતી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રમણભાઈ પટેલે ચારુસેટ હોસ્પિટલ માટે એક કરોડનું સંકલ્પ દાન જાહેર કર્યું તે બદલ તેમનું સુરેન્દ્રભાઇ એમ. પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઈ પટેલ અને ડો.એમ.સી. પટેલના હસ્તે પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રમણભાઈ પટેલ માત્ર ૨૫ વર્ષની વયથી જ સમાજસેવા ક્ષેત્રે સંકળાયેલાં છે. સમાજને સતત આપવાની પ્રેરણા આપનારું અનોખું વ્યક્તિત્વ ધરાવતાં રમણભાઇ પટેલ, પ્રમુખ સ્વામી સાંસ્કૃતિક કેન્દ્ર(પીપલગ)ના પાયા ખોદાયાં ત્યારથી માંડીને ૨૦૧૭ સુધી તેમણે ચરોતર મોટી સતાવીસ લેઉવા પાટીદાર સમાજ - માતૃસંસ્થાના ટ્રસ્ટી તરીકે સુદીર્ઘ સેવાઓ આપી છે. વર્તમાનમાં તેઓ માતૃસંસ્થાના કારોબારી સભ્ય અને શ્રી ચરોતર મોટી સતાવીસ પાટીદાર કેળવણી મંડળના શરૂઆતથી કારોબારી સભ્ય છે. તેમણે કેળવણી મંડળમાં શૈક્ષણિક અને સ્વાસ્થ્ય ક્ષેત્રે રૂ.૩૧.૫૦ લાખનું દાન આપ્યું છે. તેમણે કેળવણી મંડળની શરૂઆતથી સીએચઆરએફ સુધીની તમામ પ્રવૃતિઓમાં આર્થિક સહયોગ આપ્યો છે. શ્રી રમણભાઈએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, દાન આપવું એ ઉચ્ચતમ ભાવનાનું પ્રતિબિંબ છે. તે અમારી પારિવારિક પ્રણાલી અને પરંપરા છે. જે અમારાં પિતાશ્રી શનાભાઇ દેસાઈભાઈના સમયથી ચાલી આવે છે. ભાવિ પેઢી માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતાં રમણભાઇએ માતૃસંસ્થા દ્વારા સમાજ અને સમૂહલગ્ન ક્ષેત્રે પણ માતબર દાન આપ્યું છે.
કોણ છે આ દાનવીર દાતા?
રમણભાઈ ચકલાસીમાં ૧૯૬૯થી શ્રી ગાયત્રી દીપ કોલ્ડ સ્ટોરેજ ચલાવે છે. એનઆરઆઇ રમણભાઈ ૧૯૯૫થી દર વર્ષે અમેરિકા જાય છે અને ૨૫ વર્ષથી ગ્રીનકાર્ડ ધરાવે છે. રમણભાઇ પટેલ રાજકારણ ઉપરાંત વિવિધ સંસ્થાઓમાં પણ સક્રિય છે. ૧૯૭૦થી ૧૧ વર્ષ સુધી ચકલાસી નગર પંચાયત સાથે જાડાયેલાં રહ્યાં હતાં. ખેડા જિલ્લા પંચાયતમાં ૧૩ વર્ષ સભ્ય રહ્યાં હતાં. ૧૯૯૩-૧૯૯૬ સુધી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના સભ્ય હતા. તેઓ ૧૯૮૮થી આજદિન સુધી ચકલાસી સેવા સહકારી મંડળીના પ્રમુખ છે. તેઓ ખેડા જિલ્લા ફ્રૂટ એન્ડ વેજિટેબલ એસોસિએશનમાં ૨૫ વર્ષથી સભ્ય અને ૧૫ વર્ષથી પ્રમુખ છે. તેઓ ૧૭ વર્ષ સુધી ખેડા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ હતા.