જુનાગઢ, દેવ ઊઠી અગિયારસના દિવસથી વિધિવત્ રીતે ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થાય છે, પરંતુ ભાવિકો વહેલા આવી જતા તેમજ ભાવિકોનો ધસારો ખૂબ વધી જતાં તંત્ર દ્વારા એક દિવસ પહેલાં જ પરિક્રમાનો ગેટ ખોલવામાં આવ્યો છે. જેને પગલે ભાવિકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. પરિક્રમામાં આવતા શ્રદ્ધાળુઓ જંગલને કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે અને પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરે તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આજે વહેલી સવારે વનવિભાગ દ્વારા ઈટવા ગેટ ખોલવામાં આવ્યો હતો. જેમાં ૫૦ હજારથી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ પર એન્ટ્રી લીધી છે. પરિક્રમાર્થીઓને વહેલી પરિક્રમાની પરવાનગી આપવામાં આવતા ભાવિકોએ તંત્રનો આભાર માન્યો હતો. દેવભૂમિ દ્વારકાથી આવેલા નાગજીભાઇએ જણાવ્યું હતું કે, પરિક્રમાની એક દિવસ પહેલાં મંજૂરી આપવામાં આવી છે, જેને લઈ ભાવિકોમાં ખૂબ જ ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્ત્વ છે. અહીં આવનાર કોઈ શ્રદ્ધાળુએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જાેઈએ. અમે પરિક્રમા દરમિયાન જીણાબાવાની મઢી અને મારવેલે રાત રોકાશું. આ રાત્રીરોકાણ કરી પરિક્રમાનો પડાવો નાખશું. અમે સાથે કાચું ભોજન લઈને જ આવ્યાં છીએ જ્યાં રોકાશું ત્યાં ભોજન પકવીને જમશું. માનગઢથી આવેલા સંજયે જણાવ્યું હતું કે, અમે આઠ વર્ષ બાદ આજે ફરી પરિક્રમામાં આવ્યા છીએ. અમારી સાથે ૧૫ લોકો છે. પરિક્રમાને લઈ લોકોમાં ઘણો ઉત્સાહ છે અને દરેકે જીવનમાં એકવાર આ પરિક્રમા અવશ્ય કરવી જાેઈએ. આમ તો વિધિવત્ રીતે ૨૩ તારીખે પરિક્રમા શરૂ થવાની હતી, પરંતુ શ્રદ્ધાળુઓની ભીડ વધતા તંત્ર દ્વારા એક દિવસ વહેલી પરિક્રમા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. જંગલમાં વન્યજીવોનું રક્ષણ કરવું અને કોઈ પણ પ્રકારનો કચરો ન ફેલાવવો તે પણ સૌ પરિક્રમાર્થીઓની પહેલી ફરજ છે. ગિરનારની લીલી પરિક્રમામાં પાંચ દિવસ સુધીમાં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જેને લઈ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, આરોગ્ય અને વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. પરિક્રમા ઈંટવા ગેટથી શરૂ થઈને પ્રથમ પડાવ જીણાબાવાની મઢી ત્યાંથી બીજાે પડાવ માળવેલાની જગ્યા, ત્યાંથી ત્રીજાે પડાવ બોરદેવીની જગ્યા અને ત્યાંથી છેલ્લો પડાવ ભવનાથ તળેટી ખાતે પરિક્રમાં પૂર્ણ થતી હોય છે. ત્યારે પરિક્રમાના તમામ રૂટ પર લાઈટ, પાણી, શૌચાલય સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ગિરનાર જંગલની અંદર સિંહ સહિતના અનેક વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યાં છે. ત્યારે પરિક્રમા રૂટ પર વન્યપ્રાણીઓ અવરજવર ન કરે જેથી વન વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પરિક્રમામાં આવનાર યાત્રાળુઓ સફાઈ અને સ્વચ્છતા અંગે જાગૃત થાય માટે પ્લાસ્ટિકના ૪૦૦ જેટલાં ડસ્ટબીન લગાવવામાં આવ્યાં છે. વસુંધરા નેચર ક્લબ દર વર્ષે ગિરનાર પરિક્રમા બાદ પરિક્રમાર્થી દ્વારા થયેલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરે છે, અને સ્વયંસેવકો તરીકે ડોક્ટર એન્જિનિયર, પ્રોફેસર, શિક્ષક જેવા અલગ અલગ પ્રોફેશનલ લોકો સેવા આપે છે. ગયા વર્ષે વસુંધરા નેચર ક્લબ દ્વારા મેન્યુઅલી આ કામ કરીને ૪.૫ ટન પ્લાસ્ટિક એકત્ર કર્યું હતું. આ વખતે વસુંધરા નેચર ક્લબ દ્વારા એક અલગ પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં સમગ્ર પરિક્રમાના માર્ગ પર સતત થોડા થોડા અંતર પર પ્લાસ્ટિક બેગ ડસ્ટબિન તરીકે મૂકવામાં આવી છે. આ સેવા કાર્ય પરિક્રમામાં આવતા દરેક લોકો સુધી પહોંચે અને લોકો ડસ્ટબિનનો વધુમાં વધુ વપરાશ કરે, જેથી કુદરતનાં સૌંદર્યને હાનિ પહોંચાડતું પ્લાસ્ટિક જંગલમાં ફેંકાતું અટકે માટે પરિક્રમાના સમગ્ર માર્ગ પર વસુંધરા નેચર ક્લબ દ્વારા ૪૦૦ જેટલી મોટી પ્લાસ્ટિકની બેગ ડસ્ટબિન રૂપે લગાડવામાં આવી છે.
પ્રકૃતિ મિત્રના સભ્યો દ્વારા પરિક્રમામાં આવતા યાત્રાળુઓને પ્લાસ્ટિકની બેગ લઈ તેના બદલામાં કાગળની બેગ આપી પ્રકૃતિનું જતન
જુનાગઢ લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે. ત્યારે અહીં આવતા યાત્રાળુ પર્યાવરણ બચાવે તેના માટેની પ્રકૃતિ મિત્ર દ્વારા અનોખી પહેલ કરવામાં આવે છે. છેલ્લા દસ વર્ષથી પ્રકૃતિ મિત્ર ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ બચાવવા માટે અલગ અલગ દાતાઓ પાસેથી કાગળની બેગ એકત્રિત કરી અને પરીક્રમાર્થીઓને આપે છે. પરિક્રમામાં આવતા યાત્રાળુ પ્લાસ્ટિકની બેગ જંગલમાં ન લઈ જાય ,અને કાગળની બેગ લઈ પરિક્રમા કરે તે માટે આ ફાઉન્ડેશન દ્વારા પ્રકૃતિનું જતન કરવા મદદરૂપ થાય છે. પ્રકૃતિ મિત્રના ફાઉન્ડર ડર પ્રોફેસર ચિરાગ ગોસાઈ એ જણાવ્યું હતું છેલ્લા દસ વર્ષથી પ્લાસ્ટિક મુક્ત પરિભ્રમાની અમારા પ્રકૃતિ મિત્ર દ્વારા જુનિયર ચલાવવામાં આવે છે. પરિક્રમા દરમિયાન આવતા યાત્રાળુઓ પાસેથી પ્લાસ્ટિકની બેગ થેલીઓ લઈ તેના બદલામાં કાગળની થેલીઓનું વિતરણ કરવામાં આવે છે. દર વર્ષે પરિક્રમા દરમિયાન બેથી ત્રણ ત્રણ જેટલું પ્લાસ્ટિક પરિક્રમા ના માર્ગ પર જતું અટકાવીએ છીએ. આ વર્ષે પણ ૧૧૫ જેટલા સભ્યો સાથે પરિક્રમામાં પ્લાસ્ટિક અટકાવવા માટેની ઝુંબેશ હાથ ધરી છે.ગઈકાલ રાતે જ પરિક્રમા ના માર્ગ પર થી પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવ્યું છે. પ્લાસ્ટિક જમીનમાં દટાય તો જમીન તેની ફળદ્રુપતા ઘટાડે છે. જેને લઇ પ્રકૃતિ મિત્ર દ્વારા પરીક્રમાર્થીઓ પાસેથી પ્લાસ્ટિક લઈ તેમને વિનામૂલ્ય કાપડની બેગ આપે છે. ત્રણ લાખથી વધુ કાપડની થેલીઓ આ વર્ષે પણ પરિક્રમાર્થીઓને આપવામાં આવશે. અલગ અલગ દાતાઓ દ્વારા આ કાગળની થેલીઓ આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો પ્લાસ્ટિક આપી બદલામાં કાગળની થેલીઓ લઈ પરિક્રમા કરે છે. જેમાં ઘણા લોકો અહીં અમે આપેલી કાગળની ભેગો લઈ આવે છે અને પ્રકૃતિને જતન કરવામાં મદદરૂપ બને છે.
પરિક્રમાના દરમિયાન તાપમાન ૧૭ થી ૧૪ ડિગ્રી રહેશે
ગરવા ગિરનારને ફરતે ૩૬ કિમીની લીલી પરિક્રમાનો ૨૩ નવેમ્બર- કારતક સુદ અગિયારસથી પ્રારંભ થવાનો છે.હાલમાં શિયાળાની ઋતુ દસ્તક દઇ રહી છે. ત્યારે પરિક્રમાના ૫ દિવસ દરમિયાન ગિરનાર જંગલમાં ૧૪ થી ૧૭ ડિગ્રી સુધી ઠંડી પડવાની સંભાવના વ્યકત કરાઇ છે. સાથે ૨૫ અને ૨૬ નવેમ્બરે હળવા કમોસમી વરસાદની પણ સંભાવના વ્યકત કરાઇ રહી છે. ત્યારે ભાવિકોએ કેટલીક ખાસ કાળજી રાખવાની પણ જરૂર છે જેથી કોઇ મુશ્કેલી ઉભી ન થાય. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. એમાં પણ શહેર કરતા ગિરનારના જંગલમાં ઠંડીના પ્રમાણમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો થતો હોય છે. હાલમાં લીલી પરિક્રમા દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૭ થી લઇને ૧૪ ડિગ્રી સુધી થવાની સંભાવના છે. ત્યારે શિયાળાની ઋતુને લઇ ઠંડીના પ્રમાણને ધ્યાને રાખતા એકતો પુરતા પ્રમાણમાં વસ્ત્રો રાખવા. વસ્ત્રોમાં પણ રૂ અને ઉનના ગરમ વસ્ત્રોનો વધુ ઉપયોગ કરવો જેથી ઠંડી સામે રક્ષણ મેળવી શકાય. સાથે નિયમીત પણે ગરમ પાણી પીવાનું રાખવું.ઠંડા પીણાનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. ગાદી વાળા હાથમોજાનો ઉપયોગ કરવો જરૂરી છે. એમાં પણ ૨૫ અને ૨૬ નવેમ્બરે હળવા કમોસમી વરસાદની પણ સંભાવના છે. ત્યારે આ બઘી સ્થિતીને ધ્યાને રાખીને પુરતી તૈયારીઓ કરીને પરિક્રમાર્થીઓએ જવું જેથી કોઇ મુશ્કેલી ન ઉભી થાય અને વિના વિધ્ને પરિક્રમા પૂર્ણ કરી પુણ્યનું ભાથું બાંધી શકાય.પરિક્રમાના ૫ દિવસ દરમિયાન ગિરનાર જંગલમાં ૧૪ થી ૧૭ ડિગ્રી સુધી ઠંડી પડવાની સંભાવના વ્યકત કરાઇ છે.
યાત્રિકો- સિંહ બન્નેની સલામતી માટે ગિરનાર નેચર સફારી બંધ
જૂનાગઢ શહેરમાં દોલતપરા વિસ્તારમાં આવેલ ગિરનાર નેચર સફારી પાર્ક આગામી ૨૩ નવેમ્બર અગિયારસના દિવસે શરૂ થનાર ગિરનારની લીલી પરિક્રમાને લીધે ૨૨ થી ૨૮ નવેમ્બર ૭ દિવસ માટે બંધ રાખવાનો તંત્ર દ્વારા ર્નિણય લેવામાં આવેલ છે. મૂળભૂત સૂત્રોમાંથી મળતી વિગત અનુસાર જૂનાગઢ એક પ્રવાસન નગરી છે. અહીં રજાના દિવસોમાં ઠેર- ઠેરથી પ્રવાસીઓ આવતા હોય છે. એમાં પણ સિંહ દર્શનએ યાત્રિકોની પહેલી પસંદ હોય છે. જૂનાગઢમાં શરૂ થયેલ ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શન માટે મુલાકાતીઓનો ભારે ધસારો જાેવા મળે છે. જેમાં સવાર અને સાંજ એમ બે સફારી કરાવવામાં આવે છે. પ્રવાસીઓ ખુલ્લા દિપડા, સિંહ સહિતના વન્યપ્રાણીઓને જાેઇને આનંદની લાગણી અનુભવે છે. આગામી સમયમાં શરૂ થનાર ગરવા ગિરનારની લીલી પરિક્રમાને લઇને યાત્રિકો સાથે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુંથી તંત્ર દ્વારા ૨૨ થી ૨૮ નવેમ્બર એમ ૭ દિવસ સુધી ગિરનાર નેચર સફારી પાર્ક પ્રવાસીઓ માટે બંધ રાખેલ છે.ઉપરાંત ૨૯ તારીખને બુધવારથી રાબેતા મુજબ સફારી પાર્ક શરૂ થશે જેની મુલાકાતીઓએ નોંધ લેવાની રહેશે.
Loading ...