સુરત-
મહાનગરપાલિકામાં 27 બેઠકો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી ગેલમાં આવી ગઈ છે. શુક્રવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સુરત આવી પહોંચ્યા હતા. પોતાના વિજય થયેલા કોર્પોરેટરો સાથે કેવું મળશે અને સાથે વર્ષ 2022માં કેવી રીતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવામાં આવશે? તેની વ્યૂહરચના પણ તૈયાર કરવામાં આવશે. અરવિંદ કેજરીવાલ વહેલી સવારે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું. તેઓની એક ઝલક જોવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો પડાપડી કરતા જોવા મળ્યા હતા.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રિય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના સુરત પ્રવાસની વિગતે વાત કરવામાં આવે તો, તેઓ સવારે 8 કલાકે સુરત એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. એરપોર્ટથી તેઓ સીધા સર્કિટ હાઉસ ગયા હતા. જ્યાં અગત્યના સામાજિક અને રાજ્યકીય આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ બપોરે 3 કલાકે સુરતના વરાછા મીની બજાર માનગઢ ચોકથી રોડ શોમાં જોડાશે. આ રોડ શો મીની બજારથી હીરાબાગ અને ત્યારબાદ રચના સર્કલ, કારગીલ ચોક, કિરણ ચોક, યોગી ચોક, સીમાડા નાકા થઈ સરથાણા જકાતનાકા ખાતે રોડ શોની પૂર્ણાહુતિ કરવામાં આવશે. રોડ શો બાદ સરથાણા ખાતે તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બની હતી, તે જ સ્થળે અરવિંદ કેજરીવાલ જનસભાને સંબોધશે.