ભુજ-
કચ્છના ચકચારી અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી હત્યા કેસમાં એકમાત્ર સાક્ષી રહેલા પવન મોરેની રેકી કરી તેની હત્યા કરવાના કાવતરાના મામલે આરોપી પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિતના આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ હત્યાને નજરે જોનારા ગાંધીધામના એકમાત્ર સાક્ષી પવન મોરેની રેકી કરવાના કેસમાં ગાંધીધામ કોર્ટે પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત 4 આરોપીઓ નિર્દોષ જાહેર કર્યા છે. છબીલ પટેલ, રસિક પટેલ, પિયુષ વાસાણી અને કોમેશ પોકારને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી ભુજથી ટ્રેન મારફતે મુંબઇ જઈ રહ્યા હતા ત્યારે ભચાઉ આસપાસ ટ્રેનમાંજ તેમના પર ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. અને આ બનવ સમયે તેમની સાથે ટ્રેનના કોચમાં પવન મોરે નામનો એક માત્ર સાક્ષી હાજર હતો. પવન મોરે ઉપર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જે અનુસંધાને પોલીસે જયંતિભાઈ ભાનુશાલી હત્યા કેસના આરોપી છબીલભાઈ પટેલ અને તેમની સહયોગી ઉપર પવન મોરેની રેકી કરી અને હત્યાની કોશિષનો કેસ નોંધાયો હતો.