દુનિયાદારીનો મોહ છોડી દીધો અને ધાર્મિક યાત્રા પર નીકળી ગયો હતો : ગુરુચરણ સિંહ સોઢી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવનારા ગુરુચરણ સિંહ સોઢી આખરે ઘરે પાછા ફર્યા છે. તેમને પાછા ફરેલા જાેઈને તેમના ફેન્સ પણ ખુશખુશાલ છે. પરંતુ તેમણે આટલા દિવસ શું કર્યું તે અંગે પણ લોકોના મનમાં સવાલ ઉદભવી રહ્યો છે. તેઓ ૨૨ એપ્રિલથી ગુમ હતા. તેમના પિતાએ દિલ્હીમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ પણ કરી હતી. પોલીસે દિલ્હીથી લઈને મુંબઈ સુધી પૂછપરછ કરી હતી. પરંતુ કોઈ માહિતી મળી શકી નહતીં. હવે તેઓ પાછા ફરતા પોલીસે તેમની પૂછપરછ કરી અને મહત્વની વિગતો જાણવા મળી છે.


પોલીસે તેઓ પાછા ફરતા પૂછપરછ કરી છે. આ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ૨૫ દિવસ સુધી તેઓ ક્યાં હતાં અને શું કર્યું તે અંગે તેમણે રજેરજની માહિતી પોલીસને જણાવી છે. આ સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ અને તમને પણ આશ્ચર્ય થશે. ગુરુચરણ સિંહના પાછા ફરવાના કારણે તેમના પરિવારજનો પણ ખુશખુશાલ હશે. પરંતુ દિલ્હી પોલીસે શોધવા માટે ભારે જદ્દોજહેમત કરવી પડી. આવામાં તેમના ઉપર શું કોઈ કેસ થઈ શકે ખરો? એ તો આગળ જ ખબર પડી શકશે. ગુરુચરણ સિંહે પૂછપરછમાં જણાવ્યું કે તેમને દુનિયાદારીનો મોહ છોડી દીધો હતો. ધાર્મિક યાત્રા પર નીકળી ગયા હતા. તેઓ અમૃતસર, લુધિયાણા, અને અનેક શીખ ધર્મના તીર્થસ્થળો તથા શહેરોના ગુરુદ્વારામાં રોકાયા હતા.

તારક મહેતા...માં સોઢીનું પાત્ર ભજવી ચૂકેલા આ કલાકારે વધુમાં કહ્યું કે ૨૫ દિવસ સુધી તેઓ પંજાબના અલગ અલગ શહેરોમાં રહ્યા અને પછી તેમને અહેસાસ થયો કે પરિવાર જ બધુ છે અને તેઓ ઘરે પાછા ફર્યા. તેમના પાછા ફરવાથી બધા ખુશ છે. અત્રે જણાવવાનું કે ગુરુચરણ સિંહ ૨૨ એપ્રિલથી ઘરેથી મુંબઈ જવા માટે નીકળ્યા હતા. પરંતુ તેઓ મુંબઈ પહોંચ્યા નહીં કે તેમનો ફોન પણ એક્ટિવ ન હતો. ગુરુચરણ સિંહના પિતાએ ૨૬ એપ્રિલના રોજ દિલ્હીના પાલમ પોલીસ મથકમાં તેમના ગૂમ થવા અંગે ફરિયાદ કરી હતી. દિલ્હી પોલીસે તો અપહરણનો મામલો નોંધીને તપાસ શરૂ કરી. જેમાં ખબર પડી કે તેઓ આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમના ૧૦થી વધુ બેંક એકાઉન્ટ નીકળ્યા અને માનસિક સ્થિતિ પણ સારી ન હોવાનું મીડિયા રિપોર્ટ્‌સમાં સામે આવ્યું હતું. જાે કે પોલીસને તેમના મોબાઈલ સર્ચ અને ડિજિટલ તપાસ દરમિયાન માહિતી મળી હતી કે ગુરુચરણ સિંહને ધર્મ પ્રત્યે વધુ ઝૂકાવ થઈ ગયો હતો. તેમણે એક મિત્રને પહાડો પર જવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓ કથિત રીતે ગુમ થઈ ગયા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution