વડોદરા, તા.૨૦
ચાલુ વર્ષે ચોમાસામાં ઉપરવાસમાં ભારે વરસાદને કરાણે સરદાર સરોવર નર્મદાડેમમાંથી ૧૦ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર સ્થિત નર્મદેશ્વર મહાદેવ મંદિર નદીમાં સ્વાહા થઈ ગયું હતું. ઉપરાંત સમાધી મંદિરની દિવાલ પણ ધરાશયી થઈ હતી. ત્યારે દત્ત સંસ્થાનના ટ્રસ્ટીઓ અને ભક્તોની રજૂઆત બાદ રૂા.૨૦ કરોડના ખર્ચે નદીની બંને તરફ ૭૬ મીટરની સંરક્ષણ દિવાલની કામગીરી મંજુર કરી નર્મદા નિગમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
નર્મદા નદીનાજમણી બાજુના કાંઠે ગરુડેશ્વર ખાતે ગરુડેશ્વર દત્ત સંસ્થાન તતા તેની આજુબાજુના વિસ્તારને નર્મદા નદીના ભારે પુરથી સંરક્ષિત કરવા માટે સ્થાનિક લોકો તથા અનેક શ્રદ્ધાળુઓની રજૂઆતને ધ્યાને લઈ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નદીના બંને કાંઠે મજબુત સંરક્ષણ દિવાલ બનાવવાનો નિર્ણય
કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગરુડેશ્વર ખાતે દત્તમંંદિરનું પૌરાણિક સ્થળ તથા શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું સમાધિ મંદિર આવેલું છે. જ્યાંથી નીચે નર્મદા નદી સુધી જવા માટે પગથીયા તેમજ મહારાણી અહલ્યાબાઈ ઘાટ આવેલો છે. જે અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર છે. જમણાં કાંઠાના આ વિસ્તારને નર્મદા નદીમાં પૂરને કારણે નુકસાનથી બચાવવા માટે તથા નદીના ડાબા કાંઠે આવેલ ઈન્દ્રવર્ણા ગામના કાંઠા વિસ્તારને નુકસાન થતુ અટકાવવા માટે સ્થાનિક લોકો દ્વારા રજુઆત કરવામાં આવી. જેથી કાંઠાના સરદાર સરોવર નર્મદા સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા નદી કાંઠા ઉપર કરવાની થતી કામગીરી તેના કાર્યક્ષેત્રમાં સમાવિષ્ટ ના હોવા છતા બંને તરફ ૭૬ મીટર લંબાઈમાં સંરક્ષણ દિવાલોનું કામ અંદાજીત રૂા.૨૦ કરોડના ખર્ચે તાત્કાલિક હાથ ધરવામાં આવ્યુ છે. ૨૭ થી ૩૨ મીટર ઊંચાઈ ધરાવતી એટલે કે ૯ થી ૧૧ માળના મકાન જેટલી ઊંચાઈ ધરાવતી કોંક્રીટની આ મહાકાય સંરક્ષણ દિવાલો બનવાથી જમણા કાંઠા પરના ગરુડેશ્વર દત્ત સંસ્થાન, સમાધિ સ્થળ તથા તેની આસપાસનો વિસ્તાર તેમજ ડાબા કાંઠે ઈન્દ્રવર્ણી ગામ કે જ્યાં નર્મદા પુરાણમાં જેનો ઉલ્લેખ છે એવા ઈન્દ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તેના નદી કાંઠા વિસ્તારને પૂરથી થતુ નુકસાન અઠકાવી શકાશે.