સુરત-
શહેરમાં ‘ગુજસીટૉક’ કાયદા હેઠળ અનેક ગુનામાં સંડોવાયેલા નાનુપુરાના માથાભારે સજ્જૂ કોઠારી સહિત ૮ વિરુદ્ધ અઠવા લાઈન્સ પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે બાદ પોલીસે રાત્રે જ સજ્જૂના ભાઈ મોહમ્મદ યુનુસ કોઠારી, જાવેદ ગુલામ મલેક, મોહમ્મદ આરિફ શેખ, આરિફ શેખ અને મોહમ્મદ કાસિમ અલીની અટકાયત કરી છે. જેમના કોરોના રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે સજ્જૂ કોઠારી સહિત ગેંગના ૩ સાગરિતો ફરાર હોવાથી તેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
નાનુપુરાના માથાભારે ગેંગસ્ટર સજ્જૂ કોઠારી વિરુદ્ધ ૬, તેના ભાઈ મોહમ્મદ યુનુસ કોઠારી વિરુદ્ધ ૨, સમીર શેખ વિરુદ્ધ ૩, મોહમ્મદ કાસિમ વિરુદ્ધ ૨, જાવેદ ગુલામ વિરુદ્ધ ૨, આરિફ શેખ વિરુદ્ધ ૩, મોહમ્મદ આરિફ વિરુદ્ધ ૨, હુસૈન કોકાવાલા વિરુદ્ધ ૨ ગંભીર ગુનાઓ નોંધાયા છે. શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં સજ્જૂ કોઠારી વિરુદ્ધ ૧૫ જેટલા કેસ નોંધાયા છે. સજ્જૂ પર અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનના બે કર્મચારીઓને માર મારવાનો આરોપ છે. જેમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ સજજુ કોઠારી ગેંગના ૫ સાગરિતોને ઉઠાવી લાવતા પોલીસ સ્ટેશનની બહાર સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હાલ અઠવા પોલીસ સ્ટેશનની બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.