ગાંધીનગર-
રાજ્યના બુલેટ ચાલકોના દિવસો હવે ભરાઈ ગયા છે તેવું જણાઈ રહ્યું છે. બુલેટ ચાલકો ઉપર ફરી એકવાર ટ્રાફિક પોલીસે સ્ટ્રાઈક કરી છે. ગાંધીનગરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા કુલ ૩૩ વાહનો બૂલેટ જપ્ત કરીને ચાલકોને ૫૨,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગાંધીનગર ટ્રાફિક પોલીસે ૩૩ બુલેટ જપ્ત કરીને મોટો દંડ ફટકારતા હવે બુલેટ ચાલકોમાં ડરનો માહોલ બનેલો છે. તમને જણાવી દઈએ કે આજના યંગસ્ટર્સ લોકોનું ધ્યાન આકર્ષવા માટે બુલેટમાં સાયલન્સર મોડીફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોય છે, જેના કારણે અનેક અકસ્માતો થતા હોય છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, મોટા અવાજવાળી બુલેટ લઇને ફરતા લોકો સામે કાર્યવાહી કરવા વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુએ થોડા સમય પહેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને કાર્યવાહી કરવા કહ્યું હતુ. ત્યારે એક પછી એક જગ્યાએ બુલેટ ચાલકો પર ગાજ પડી રહી છે. ગાંધીનગરમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો ઉપર ટ્રાફિક પોલીસે સ્ટ્રાઇક કરીને કુલ ૩૩ બુલેટ જપ્ત કરીને તેમને ૫૨૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો છે. મોટો અવાજ કરતા બુલેટ ફૂલ સ્પીડમાં ચલાવીને ન્યૂસન્સ ઊભું કરવાની કેટલાક યુવાનો દ્વારા થતી પ્રવૃત્તિ અટકાવવા અને કાર્યવાહી કરવા માગ ઉઠી રહી હતી. જેનું હાલ ટ્રાફિક પોલીસ પાલન કરી રહી છે.